તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મી સ્ટાઇલે લૂંટનો પ્રયાસ:ભરૂચમાં ખાનગી બસને આંતરી આંગડિયા કર્મીઓ પાસેથી હીરા લૂંટવાનો પ્રયાસ, મુસાફરની હિંમતના કારણે અઢી કરોડની લૂંટ થતા અટકી

ભરૂચ24 દિવસ પહેલા
આંગડિયા લૂંટનો નિષ્ફળ પ્રયાસ
  • લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા મુસાફર પર ફાયરીંગ કરાયું
  • ત્રણ લૂંટારા તો મુસાફરના સ્વાંગમાં બસમાં જ સવાર હતા

ભરૂચ જિલ્લામાં આજે મધરાત્રે ચાલુ બસમાં ફિલ્મી સ્ટાઈલે આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા ચકચાર મચી છે. ભાવનગરથી સુરત હીરાના પાર્સલ લઈને ખાનગી ટ્રાવેલ્સની બસમાં જઈ રહેલા આંગડિયા પેઢીના 4 કર્મચારીઓને ચાલુ બસે લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, એક મુસાફરે સમય સૂચકતા વાપરી બસનો દરવાજો બંધ કરી દેતા લૂંટારાનો પ્લાન ઊંધો વળ્યો હતો. લૂંટાર તરફથી કરાયેલા ફાયરીંગમાં મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા લૂંટારની શોધખોળ હાથ ધરી છે.

લૂંટારાને ઝડપવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી.
લૂંટારાને ઝડપવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી.

મુસાફરના સ્વાંગમાં લૂંટારા પણ બસમાં સવાર હતા
જે બસમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે એ બસ ભાવનગરથી સુરત જઈ રહી હતી. સ્લીપર કોચ બસમાં આંગડિયા પેઢીના ચાર કર્મચારીઓ સવાર હતા. આંગડિયા પેઢીના કર્મચારીઓ મોટી રકમનો મુદ્દામાલ લઈ બસમાં અવરજવર કરતા હોવાની લૂંટારુઓને પહેલા જ માહિતી હોય તે રીતે ત્રણ લૂંટારુ પહેલાથી જ બસમાં સવાર થઈ ગયા હતા.બસ સવારે ભરૂચની વાલિયા ચોકડી પાસે પહોંચતા જ ત્રણેય મુસાફરે ઉતરવાનો પ્રયાસ કરી બસ રોકાવી હતી. આ સમયે જ લૂંટારુઓએ બસના ડ્રાઈવરના માથા પર હથિયાર મુકી બસને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમયે બસના ક્લિનર અને એક મુસાફરે ડ્રાઈવર કેબીનમાંથી બસમાં પ્રવેશવાનો દરવાજો બંધ કરી દેતા લૂંટારુ અંદર પ્રવેશી શક્યા ન હતા. આ સમયે લૂંટારુ તરફથી દરવાજાના કાચ પર ફાયરીંગ કરતા મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. ફાયરીંગના કારણે બસમાં દેકારો મચતા લૂંટારુઓએ ખાલી હાથ ભાગવું પડ્યું હતું. લૂંટના સ્થળ પર આવેલી એક કારમાં તમામ લૂંટારુ ફરાર થયા હતા.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

અઢી કરોડના હીરાની લૂંટનો બનાવ અટક્યો
ભરૂચ જિલ્લામાં આજે આંગડિયા લૂંટનો જે નિષ્ફળ પ્રયાસ થયો છે તે બનાવમાં બસમાં કુલ ચાર આંગડિયા પેઢીના કર્મચારીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય કર્મચારીઓ પાસે અઢી કરોડના હીરાના પાર્સલ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, એક મુસાફર અને બસના ક્લિનરની સમય સૂચકતાના કારણે કરોડો રૂપિયાના હીરાના લૂંટ થતા અટકી હતી.

લૂંટારાને ઝડપી પાડવા નાકાબંધી કરવામાં આવી
લૂંટના નિષ્ફળ પ્રયાસની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારી અને ઈજાગ્રસ્ત મુસાફરના નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરી છે. લૂંટારાઓનું પગેરું દબાવવા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

ભાવનગરથી સુરત જતી બસમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ.
ભાવનગરથી સુરત જતી બસમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ.

કઇ કઇ આંગડિયા પેઢીના કર્મીઓ હતાં

  • મહેન્દ્ર અરવિંદ આંગડિયા
  • સોમા રામદાસ આંગડિયા
  • પી. વિજયકુમાર આંગડિયા
  • અમરત માધવલાલ આંગડિયા

લૂંટારૂઓને રોકતાં ગોળી ચલાવી, જે મારા હાથમાં વાગી
લૂંટારુ ભાવનગરથી જ અમારી સાથે બેઠા હતાં. જે પૈકીના એક લૂંટારૂએ અંકલેશ્વર પાસે ઉતારવાનું કહ્યું હતું. બાદમાં બસ ઉભી રાખી બંદૂક કાઢી અંદર આવતા તેની જોડે ઝપાઝપી થઈ હતી ધક્કો મારી બહાર કાઢી દરવાજો બંધ કરી દેતા ફાયરિંગ કર્યું હતું. જેથી બંદુકની ગોળીએ કાચ તોડી મારા હાથ માં વાગી હતી. જે બાદ અન્ય મુસાફરો પણ જાગી જતા બુમાબુમ કરતા બસમાં રહેલા 3 અન્ય કાર લઇ આવેલાં લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. > અનિલ ડાંગર, ઈજાગ્રસ્ત મુસાફર,

એક લૂંટારુ કેબીનમાં અને અન્ય 2 અંદર હતા
ભાવનગરથી જ ત્રણેય લૂંટારૂઓ બસમાં બેઠાં હતાં. જે પૈકીનો એક કેબિનમાં અને 2 અંદર હતા. એક લૂંટારુઓએ અંકલેશ્વર ઉતરવાનું કહી બસ થોભાવી હતી. અંદર રહેલા લૂંટારુ પણ કેબીનમાં આવ્યા બાદ રિવોલ્વર બતાવી બસ સાઈડ પર લેવડાવી હતી. બસ ચાવી કાઢી અંદર જતા જ્યાં અન્ય એક મુસાફર સામનો કરી લૂંટારુ બહાર ધકેલી ઝપાઝપી કરી હતી. દરવાજો બંધ કરતા લૂંટારૂએ ફાયરિંગ કરતા મુસાફરને વાગ્યું હતું. બુમાબુમ કરતા 3 લૂંટારૂ અર્ટીગા કારમાં બેસી સુરત તરફ ભાગી ગયા હતા. > સફી રાયજી, ક્લીનર જય ગોપાલ ટ્રાવેલ્સ,

અન્ય સમાચારો પણ છે...