સિગારેટના પૈસા મુદ્દે બબાલ:ભરુચના જંબુસરમાં ટોળાનો જ્વલનશીલ પ્રવાહી નાખી હિંદુ મહિલા-દુકાનદારને સળગાવવાનો પ્રયાસ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઘટનામાં હત્યાની કોશિશની કલમ હેઠળ ટોળા સામે ગુનો નોંધ્યો, ગણતરીના કલાકોમાં જ માહિર સહિત 21 આરોપીઓની ધરપકડ કરી

ભરુચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલે રથયાત્રાનું પર્વ ઉજવાવાનું છે તેના 36 કલાક પહેલાં જંબુસરમાં સીગારેટના નાણાં ચુકવવાની તકરારમાં હિન્દુ દુકાનદાર યુવક અને પરિચિત વૃધ્ધા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો.

25 થી 30 લોકોના ટોળાને બોલાવી કૃત્ય આચર્યું
ગામમાં જ રહેતા માહિર નામના શખસ સાથે દુકાનદારને સીગારેટના પૈસા લેવા બાબતે તકરાર થતા માહિરે અન્ય 25 થી 30 લોકોના ટોળાને બોલાવી આ કૃત્ય આચર્યું હતું. પોલીસે માહિર સહિત 21 આરોપીની ધરપકડ કરી લીધી છે પણ આવતીકાલે શુક્રવારે રથયાત્રા હોવાથી શાંતિ ડહોળાય નહીં તે માટે આરોપીઓના નામ જાહેર કર્યા નથી. કરાયાં નથી. હાલ જંબુસરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સીગારેટના પૈસા માગતા શખસે અપશબ્દો બોલ્યા
જંબુસરના કાવી રીંગ રોડ પર ગણેશ પ્રોવિઝન સ્ટોરના નામે દુકાન ધરાવતો વિશાલ કાલીદાસ રાઠોડ ગુરુવારે રાત્રે 10.30ના અરસામાં દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે ભાગલીવાડમાં રહેતો માહિર નામનો શખસ ત્યાં પહોંચ્યો હતો અને સીગારેટ ખરીદી હતી. વિશાલે માહિર પાસે સીગારેટના રૂપિયા માગતા શખસે અપશબ્દો બોલ્યા હતા. જેના પગલે બંને વચ્ચે તકરાર થઇ હતી.

કેટલાંકે ​​​​​​​જ્વલનશીલ પ્રવાહી દુકાન પર છાંટવાનો પ્રયાસ કર્યો
​​​​​​​
દરમિયાન માહિરે તેના સાગરિતોને ફોન કરી બોલાવતા થોડીવારમાં જ અલગ અલગ વાહનો પર 25થી 30 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને વિશાલ અને તેના ભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યું હતું. ટોળા પૈકીના કેટલાંકે તેમની પાસેની બોટલોમાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી દુકાન પર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. તે વેળાં પાડોશમાં રહેતી બચીબેન નામની વૃધ્ધા છોડાવવા વચ્ચે પડતાં તેમણે વૃધ્ધા પર પણ જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું.

મામલો બિચકાય તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં દોડી આવ્યો
​​​​​​​
ટોળાએ હંગામો કર્યો હોઇ કોઇએ પોલીસને જાણ કરી દીધી હોવાને કારણે ટોળું આગજનીની વારદાતને અંજામ આપે તે પહેલાં જ પોલીસ કાફલો ત્યાં દોડી આવતાં પોલીસને જોઇ તમામ હૂમલાખોરો નાસી છુટ્યાં હતાં. બનાવ અંગે વિશાલે સિગરેટ ખરીદી કરવા આવેલાં માહિર તેમજ તેની સાથેના 25થી 30 લોકોના ટોળા વિરૂદ્ધ જંબુસર પોલીસ મથકે આઇપીસીની કલમ 323, 143, 147, 148, 149, 504, 506(2), 307, 436 તેમજ જીપી એક્ટ135 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો
​​​​​​​​​​​​​​
દુકાનમાં આગજની કરવાનો અને વૃદ્ધાને સળગાવી દેવાના પ્રયાસ જેવી ગંભીર ઘટના અંગે ભરૂચ એસપી ડો. લીના પાટીલને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઉપરાંત માહોલ વધુ ન વણસે તે માટે વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવા સાથે વિશાલ રાઠોડની દુકાન પાસે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ વિશાલ રાઠોડની ફરિયાદના આધારે બનાવના ગણતરીના કલાકોમાં જ હૂમલો કરનાર ટોળા પૈકીના 21 શખ્સોની ધરપકડ કરી છે. જોકે, પોલીસે હજી આરોપીઓના નામ જાહેર કર્યાં નથી.

મેં ફક્ત સિગરેટના રૂપિયા માંગ્યાં તો અપશબ્દો બોલ્યો
હુ અને મારો ભાઇ રાત્રે 10.30 વાગ્યે દુકાન બંધ કરી રહ્યો હતો. ત્યારે ભાંગલીવાડનો માહિર નામનો યુવાન આવ્યો હતો. તેણે સિગરેટ માંગતાં તેને આપી હતી. જે બાદ મે તેની પાસે રૂપિયા માંગ્યા તો તેણે અપશબ્દો કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અરસામાં તેણે તેના મિત્રોને ફોન કરી બોલાવતાં તેઓએ આવી હંગામો કર્યો હતો. કોઇ જ્વલનશીલ પ્રવાહી અમારા પર અને દુકાન પર છાંટ્યું હતું.

બાજુમાં રહેતાં બચીમાસી છોડાવવા આવતાં તેમના પર પણ પ્રવાહી છાંટ્યું હતું. જોકે, એટલામાં પોલીસ આવી જતાં બધા ભાગી ગયાં હતાં. પોલીસે આવવામાં થોડું પણ મોડું કર્યું હોત તો તેઓ આગચાંપી દેત. માહિર ક્યારેક ક્યારેક જ અમારી દુકાને આવે છે તેની સાથે અગાઉની કોઇ તકરાર પણ નથી. છતાં તેણે કેમ આવુ કર્યું તે અમને પણ સમજાતું નથી. > વિશાલ રાઠોડ, ફરિયાદી.

જંબુસર શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ
લઘુમતિકોમના ટોળાએ હૂમલો કર્યો હોવાનો અને તેમાંય સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની વાત વાયુ વેગે પંથકમાં ફેલાઇ જતાં ભારેલા અગ્ની જેવો માહોલ ઉભો થયો હતો. ભરૂચ એસપીએ તુરંત જંબુસરમાં એસઆરપી જવાનોની ટુકડી ઉતારી દીધી હતી. જંબુસર શહેરના વિવિધ વિસ્તારોમાં એસઆરપી જવાનોની ફ્લેગમાર્ચ કરી સંવેદનશીલ વિસ્તારોનો ચિતાર મેળવવા સાથે વિવિધ પોઇન્ટ પર
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

બીજી તરફ પોલીસની એક ટીમે 21 જેટલાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. શુક્રવારે જગન્નાથ રથયાત્રા અને બાદમાં રવિવારે બકરી ઇદનો તહેવાર આવતો હોઇ પંથકમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે પાર પડે તે માટે એસપી ડો. લીના પાટીલે પુરતો બંદોબસ્ત ખડકી દીધો હતો.

રિકશામાંથી જવલનશીલ પ્રવાહી કાઢ્યું હતું
જંબુસરમાં મહિલા ઉપર જવલનશીલ પ્રવાહી છાટવામાં આવ્યું હતું તે આરોપીની રિક્ષામાંથી કાઢવામાં આવેલી બોટલમાં ઓઇલ, પેટ્રોલ - ડિઝલ છે કે બીજું કઇ તેનો અહેવાલ એફ.એસ.એલ આપશે. આ બનાવ અંગત અદાવતનો નહીં પરંતુ અચાનક બનેલી ઘટના છે. 21 આરોપીઓને ઝડપી લેવાયા છે અને તેમને કાલે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવામાં આવશે. > ડો. લીના પાટીલ, એસપી, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...