181 અભયમ પર હુમલો:અંકલેશ્વરના ગડખોલમાં મહિલાની હેરાનગતિ કરતાં ઈસમોને સમજાવવા ગયેલી હેલ્પલાઇનની ગાડી ઉપર હુમલો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પલાઇનના મહિલા કાઉન્સિલરને કોલ આવતાં તેઓ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા
  • બે આરોપીઓએ ગાડી ઉપર હુમલો કરી કાચની તોડફોડ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી
  • એક ઈસમને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, બે ફરાર

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મહિલાની હેરાન ગતિ કરતાં ઈસમોને સમજાવવા ગયેલા 181 મહિલા હેલ્પ લાઇનની ગાડી ઉપર હુમલો કરવાના મામલે શહેર પોલીસે એક ઇસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર ખાતે રહેતી મહિલા ગત તારીખ 2જી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બાળકો સાથે એકલી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો રમેશ યાદવ શૌચાલયનો દરવાજો ખુલ્લો રાખી શૌચક્રિયા કરતો હતો. જે અંગે તેણીએ ઠપકો આપ્યો હતો. જે બાબતની રીસ રાખી ગઈકાલે મંગળવારે રાતે રમેશ યાદવ, પ્રદીપ પાસી અને મોન્ટુ સહિત ત્રણ યુવાનો તેણીના ઘરે ધસી આવ્યા હતા. તેમજ અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે મહિલાએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરી જાણ કરી હતી અને બનાવ અંગે શહેર પોલીસ મથકે ચારેય ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

181 મહિલા અભયમ હેલ્પલાઇનના મહિલા કાઉન્સિલર સ્મિતાબેન ચાવડાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમને અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર નગર ખાતે રહેતી મહિલાના ઘરે ત્રણ ઇસમો આવી હેરાન કરતાં હોવાનો કોલ આવ્યો હતો. જેથી તેઓ ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમજ મહિલા સાથે કાઉન્સિલિંગ ચાલી રહ્યું હતું, જે સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું હોવાથી તેમણે 181 હેલ્પલાઈનની ગાડીના ચાલકને મહિલા પોલીસ કર્મચારીની લાકડી લઈ સ્થળ પર આવવા કહ્યું હતું.

આ દરમિયાન મહિલાએ પકડી પાડેલા ત્રણ પૈકી એક ઈસમને સરકારી ગાડી સુધી લઈ જવાતો હતો, તે સમયે અન્ય બે આરોપીઓએ 181 હેલ્પ લાઇનની ગાડી ઉપર હુમલો કરી કાચની તોડફોડ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી. ત્યારબાદ તે બેઉ ઇસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે મોન્ટુ નામના યુવાનને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...