ભરૂચ શહેરમાં મચ્છરોના વધી રહેલાં ઉપદ્રવ વચ્ચે પાલિકામાં વાહનોના અભાવે ફોગિંગની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. નગરપાલિકા પાસે જીપમાં ગોઠવી ફોગિંગ કરી શકાય તેવા 3 મશીનો છે પણ વાહનોની ફાળવણી થતી નહિ હોવાથી હેન્ડ ફોગિંગ મશીનથી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે.
શિયાળાની શરૂઆત થતાંની સાથે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા માટે નવેમ્બર મહિનાથી પાલિકાના પશ્ચિમ અને પુર્વ ઝોનમાં ફોગિંગ કરવામાં આવી રહયું છે પણ આ કામગીરી હેન્ડ ફોગિંગ મશીનથી કરવામાં આવતી હોવાના કારણે એકદમ ધીમી ગતિએ કામ ચાલી રહયું છે.
આશરે 30 કીલો વજનનું ફોગિંગ મશીન ઉંચકીને એક કર્મચારી 60 થી 70 જેટલા મકાનોનો વિસ્તાર આવરી શકે છે.જેના કારણે મોટાભાગનો વિસ્તાર ફોગિંગમાંથી બાકાત રહી જાય છે અને લોકોને મચ્છરોના ત્રાસથી મુકિત મળતી નથી. નગરપાલિકા ફોગિંગની કામગીરી ઝડપથી કરી શકે તે માટે 3 મોટા મશીનની ફાળવણી કરવામાં આવી છે.પણ નગરપાલિકા તરફથી મેલેરિયા વિભાગને જીપ કે અન્ય વાહનો ફાળવવામાં આવતાં નહિ હોવાથી આ મશીનો બિનઉપયોગી બની ગયાં છે.
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અનેક ગણો વધી ગયો છે. શહેરીજનો તેમના વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવે તેમ ઇચ્છી રહયાં છે પણ ફોગિંગ્ની કામગીરી જ ધીમી ગતિએ ચાલતી હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે.
એકસપાયરી ડેટની દવાની માહિતી મળતાં વિપક્ષે આકસ્મિક ચેકીંગ કર્યું
ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવતાં ફોગિંગ તેમજ છંટકાવમાં ઉપયોગમાં લેવાતી દવા એકસપાયરી ડેટની હોવાની માહિતી મળતાં વિપક્ષના નેતા શમસાદ સૈયદ અને મ્યુનિસિપલ કાઉન્સીલર હેમેન્દ્ર કોઠીવાલાએ મેલેરીયા વિભાગમાં આકસ્મિક તપાસ કરી હતી પણ દવાની ગુણવત્તા યોગ્ય જણાય હતી.
હાથીપગાનો રોગ ફેલાવતાં મચ્છરોની સંખ્યા વધારે જોવા મળી
ભરૂચ શહેરમાં હાલ ગંદા પાણીમાં થતાં મચ્છરોનું પ્રમાણ વધારે છે. આ મચ્છરોના કારણે હાથીપગાનો રોગ થવાની સંભાવના વધારે છે. મેલેરિયાથી પીડાતા દર્દીને કરડયા બાદ આ મચ્છર અન્ય કોઇ વ્યકતિને કરડે તો તેને પણ મેલેરિયા થવાની શકયતાઓ રહેલી છે.
અસર શું : શિયાળો પતી જશે તો પણઆખા શહેરને ફોગિંગ કરવાની કામગીરી નહી પતે તેવી શક્યતા
ભરૂચના પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો આ ઝોનમાં વોર્ડ નંબર 1,2,3,9,10 અને 11 નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 30 હજાર કરતાં વધારે રહેણાંક મકાનો આવેલાં છે. જો આ જ પ્રકારે ફોગિંગની કામગીરી ચાલશે તો શિયાળો પતી ગયા બાદ પણ ફોગિંગની કામગીરી પૂરી થઇ શકશે નહિ. આખા શહેરને ફોગિંગ કરવામાં હજી પણ 122 દિવસથી વધારેનો સમય લાગી શકે તેમ છે.
બે ઝોનમાં 08 મશીનથી ફોગિંગ કરાય રહયું છે
ભરૂચ શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં ફોગિંગની કામગીરી ચાલી રહી છે. પશ્ચિમ ઝોનમાં 05 અને પૂર્વ ઝોનમાં 03 હેન્ડ ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવી રહયું છે.
ખુલ્લી ગટરો અને કાંસો મચ્છરોનું ઉત્પતિ સ્થાન
પાલિકા પાસે આયોજનના અભાવે હાલાકી
મોટા ફોગિંગ મશીન હોવા છતાં હેન્ડ ફોગિંગ મશીનથી કામ કરવાની કર્મચારીઓને ફરજ પડી રહી છે જે નગરપાલિકા સત્તાધીશોની અણઆવડત છતી કરે છે. ડ્રાયવરોના ઓવરટાઇમનો વિવાદ હોવાથી ફોગિંગ માટે જીપ સહિતના વાહનો ફાળવવામાં આવતાં નથી જેનાથી ફોગિંગની કામગીરી ઝડપથી થતી નથી. શમશાદ સૈયદ, વિપક્ષ નેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.