સમયની સાથે હાંસિયામાં ધકેલાતી જતી માતૃભાષા અને ભુલાતી જતી સંસ્કૃતિની સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ઘ્વારા ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સરકારના પૂર્વ સચિવ ભાગ્યેશ ઝહાંએ ગુજરાતી ભાષાનું વૈવિધ્ય અને વૈભવના દર્શન કરાવી માતૃભાષાને સાચવવા અપીલ કરી હતી.
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે ગુજરાતી ભાષાના વૈવિધ્ય અને વૈભવના દર્શન કરાવતા કહ્યું હતું કે વાણી આપણું આભૂષણ છે. જે ગર્ભથી લઈ ને મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. આ વાણી માત્ર વાણી ન રહી જાય તે માટે તેના સંવર્ધન માટે જે થાય તે જ આપણી માતૃભાષાનું સંવર્ધન, આપણે આપણી માતૃભાષાનું જતન કરવાનું છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝહાં એ પણ પોતાની હળવી શૈલીમાં માતૃભાષાના મહત્વને ઉજાગર કરતા કહ્યું હતું કે, હું મારી માં ને પ્રેમ કરું છું, મારી માતૃભાષાને પ્રેમ કરું છું. ગુજરાતી મારી માતૃભાષા છે, મારી માં છે. હિન્દી મારી માસી અને સંસ્કૃત ભાષા મારી દાદી છે.
જ્યારે અંગ્રેજી મારી પડોશમાં રહેતી સુંદર વિદેશી નારી છે. મને ઊંઘ આવે તો મારી માં માતૃભાષામાં જ હાલરડું ગાય છે. આ માતૃભાષાને નહીં બચાવીએ તો ભાષાના તોફાનો ઉભા થશે. સમાજ વિભાજીત અને બરબાદ થઈ જશે. સેમીનારમાં મહેશ ઠાકર, મીનળબેન દવે, દર્શના વ્યાસ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. ભરૂચ ખાતે યોજાયેલા સેમીનારમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો સંકલ્પ પણ લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.