મોદીની સભામાં સાપ ઘૂસ્યો:જંબુસરની સભામાં વડાપ્રધાનના આગમન પહેલાં સાપની એન્ટ્રીએ દોડધામ મચાવી, લોકોની બૂમાબૂમ

ભરૂચ16 દિવસ પહેલા

ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણીસભા યોજાઈ રહી છે. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. સાપની નજીકમાં જ ખુરસી પર બેસેલા બાળકને એક પોલીસકર્મીએ ઉઠાવી લીધો હતો અને ત્યાંથી સહીસલામત જગ્યાએ ખસેડ્યો હતો.

સાપ નીકળતાં જ દોડધામ મચી
જંબુસરમાં વડાપ્રધાનના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપે દેખા દેતાં લોકોમાં ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. લોકોએ તેમજ પોલીસકર્મીઓએ સાપને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાપે દેખા દેતાં થોડીવાર માટે લોકોની બૂમાબૂમથી માહોલ ગરમાયો હતો. લોકો ખુરસીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે સાપનું રેસ્ક્યૂ કર્યું
સભા મંડપમાં સાપ નીકળતાં અંતે એક પોલીસ જવાને બહાદુરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યૂ કરી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકાભેર વધાવી લીધો હતો. પોલીસ જવાને સાપને પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓએ પોતાના સ્ટાર ચારકોને મેદાને ઉતાર્યા છે. ભાજપ તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાની સંભાળી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન ભરૂચના જંબુસરમાં ચૂંટણીસભા સંબોધી છે.

સભામાં શું બોલ્યા મોદી...

 • ભરૂચમાં હું સાઇકલ લઇને ફરતો હતો, પછી રાજકારણમાં આવ્યો તો લોકો પર્સનલી મને રજૂઆત કરતા
 • ગુજરાતમાં લાખો લોકોને પોતાનાં ઘર મળ્યાં, માતાઓ માલિક બની
 • ગરીબને ઘર મળી જાય એટલે તે બે-ત્રણ લાખનો માલિક બની જાય
 • જેમને વચ્ચે કટકી કરવા ન મળી એ તો મોદીનો વિરોધ કરવાના જ છે
 • કિશાનના ખાતામાં સીધા પૈસા આવ્યા, કોઈને કટકી કરવા ના મળી
 • આ સરકાર તમારા માટે દોડવાવાળી સરકાર છે
 • સરકારે ફ્રીમાં વેક્સિન ના આપી હોત તો ગરીબો ક્યાં લેવા જાત, આ કામ અમે કર્યું છે
 • જે-તે સરકારના નેતાઓ મોટા મોટા ઝભ્ભા પહેરીને બસ બધું જોયે જ રાખતા હતા
 • પહેલાં અહીં વચેટિયાઓ ગરીબોના રેશનમાંથી પણ કટકી કરતા હતા
 • સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ
 • હવે તમે જિલ્લાના રસ્તા જોઈ લો, રાજ્યમાં સૌથી વધુ વિકાસ ભરૂચમાં છે
 • પહેલાં અહીં રોડની માગણી કરતું તો કોઈ સાંભળતું નહોતું
 • આ જોઈને દેશભરમાં ભરૂચનો વટ પડે છે
 • ફર્ટિલાઇઝરનું મોટામાં મોટું કારખાનું ભરૂચમાં છે
 • 20 વર્ષમાં ઉદ્યોગમાં ભરૂચ આગળ રહ્યું છે
 • દરેક ક્ષેત્રે ભરૂચ દેશનાં તમામ રાજ્યોથી આગળ છે
 • હવે તમે ભરૂચ જિલ્લામાં વિકાસની કોઈપણ બાબત લઈ લો
 • આજના યુવાનો આ શબ્દને જ ભૂલી ગયા છે
 • ભરૂચમાં છોકરું જન્મે એટલે તેને કાકા-મામાનું નામ ખબર ન હોય પણ કર્ફ્યૂ ખબર હોય
 • બે દસકા પહેલાં બહેન-દીકરીઓ બહાર નહોતી નીકળી શકતી
 • 20 વર્ષમાં ભરૂચ જિલ્લો કેટલો બધો બદલાયો છે, ભરૂચવાસીઓને વિશ્વાસ છે
 • ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપી દીધો છે કે તમામ પાર્ટી આવે તો પણ ગુજરાતીઓ ભાજપને જ મત આપે
 • એક-એક ગુજરાતી બોલે છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે
 • ભરૂચનો આત્મવિશ્વાસ ગુજરાતના ખૂણે ખૂણે મને દેખાઇ રહ્યો છે
 • એક-એક ગુજરાતી કહે છે ફીર એકબાર મોદી સરકાર
 • ઘરનો માણસ હોય તો સુખેદુઃખે જોડે ઊભો રહે
 • જેને ખબર ના હોય કે ભરૂચ જિલ્લો ક્યાં છે એ શું વિકાસ કરે
 • તમને એવો પ્રધાનમંત્રી મળે, જેને ખબર હોય જંબુસર ક્યાં આવ્યું
 • હું જંબુસર જિલ્લાના નાગરિકોને પ્રણામ કરું છે
 • થોડીવારમાં વડાપ્રધાન જનમેદનીને સંબોધન કરશે
 • જંબુસરમાં સભા સ્થળ પર વડાપ્રધાન પહોંચ્યા

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. અરે, તમે તો બધા રાજ પરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો છું, મારી કોઈ ઓકાત નથી. હું તો સેવક છું અને સેવક કે સેવાદારની ઓકાત થોડી હોય. અરે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે તમે ઓકાત બતાવવાનું કહો છો... અરે, અમારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને ગુજરાતને વિકસિત બનાવવા મેદાનમાં આવો. આ ઓકાત બતાવવાના ખેલ રહેવા દો.

અન્ય સમાચારો પણ છે...