વિવાદ:દહેજ ઇન્ડસ્ટ્રિઝ એસો.ના પાણી કૌભાંડમાં ટોરેન્ટ બાદ બીજી કંપનીએ નાણાં પરત માગ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજમાં વર્ષ 2011-12 માં ઉદ્યોગોને પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ દહેજ ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશન પાસે હતો
  • ટોરેન્ટ પાવરને 2 કરોડ ચૂકવાયા બાદ હવે પીડીલાઈટ કંપની કોર્ટ રાહે મેદાનમાં આવી

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના વર્ષ 2011-12 માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી વિવાદ ઉભો થયો છે. ટોરેન્ટ બાદ વધુ એક કમ્પનીએ ડીઆઈએ પાસેથી એક્સસ નાણાં રીફન્ડ માંગતા ફરી વિષય ચર્ચાની એરણે ચડ્યો છે. બીજી અનેક કમ્પનીઓ પણ એક પછી એક રીફન્ડ માંગે તેવા આસાર ઉભા થયા છે. તો ઘણી કમ્પનીઓના ડીઆઈએનું પદ ધરાવતા સંચાલકોનું આ બાબતે સૂચક મૌન પણ સપાટી પર આવ્યું છે. આવા સંચાલકો કમ્પનીને વફાદાર રહેશે કે ડીઆઈએ ને આ પ્રશ્ન ઔદ્યોગિક આલમમાં ઉઠી છે.

દહેજ જીઆઇડીસીમાં વર્ષ 2011-12 માં ઉદ્યોગોને પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાકટ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસે હતો. જેમાં નિયમોની ઉપરવટ જઈ ડીઆઈએ એ પાણીના કુલ વપરાશ કરતા વધુ પાણી વપરાશના બિલ ફટકારી નાણાંની વસુલાત કરી હતી. ઉદ્યોગોએ તેની સામે અવાજ ઉઠાવતા આખરે જીઆઇડીસીએ એક જ વર્ષમાં કોન્ટ્રાકટ રદ કરી દીધો હતો. ટોરેન્ટ કમ્પનીએ બિલ ઉપરાંતના વધારાના નાણાં પરત મેળવવા માંગ ઉઠાવી હતી. જે ન મળતા આખરે ટોરેન્ટ કમ્પનીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં ટોરેન્ટની ફેવરમાં ચુકાદો આવ્યો હતો. જેના પગલે ડીઆઈએ એ અંદાઝે 2 કરોડ જેવી માતબર રકમ ટોરેન્ટ પાવરને પરત કરવી પડી હતી.

ટોરેન્ટ પાવરની તરફેણમાં ચુકાદો આવતા જ ડીઆઈએનું પાણી કૌભાંડ વધુ ગાજયું હતું. હવે વધુ એક કમ્પનીએ પોતાના નાણાં રીફન્ડની માંગ ઉઠાવી છે. દહેજમાં આવેલ પીડીલાઈટ કમ્પનીએ ડીઆઈએને પત્ર લખી નાણાં પરત માંગતા વધુ એક વખત પાણી કૌભાંડ ફરી ગરમાયુ છે.

ઘણા હોદ્દેદારોના દહીંમાં ને દૂધમાં પગ
દહેજના ઉદ્યોગો અને ડીઆઈએ બન્ને સાથે જોડાયેલા સંચાલકો દૂધમાં અને દહીંમાં પગ રાખતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવા સંચાલકોની પોતાની કમ્પનીના પણ કરોડો રૂપિયા ડીઆઈએ ઘ્વારા ખોટી રીતે ઉઘરવાયા હોવા છતાં તેઓ રીફન્ડ માંગી રહ્યા નથી. આ સંચાલકો કમ્પનીને વફાદાર રહેવાના સ્થાને ડીઆઈએના પાણી કૌભાંડને પાછલા બારણે સમર્થન આપતા હોવાની ચર્ચાઓ દહેજ ઔદ્યોગિક આલમમાં ઉઠી છે.

કંપનીએ DIA પ્રમુખને પત્ર લખી નાણાં પરત આપવા માગણી કરી
દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પાણી કૌભાંડ બહાર આવતા ડીઆઈએ પ્રમુખ સામે અનેક આક્ષેપો પણ થયા હતા. જોકે કંપનીએ આ મામલે પીઆઈએલ કરી તેના સંદર્ભ સાથેનો પત્ર ડીઆઈએને લખ્યો છે. વળી કેટલાક ઉદ્યોગકારોએ પ્રમુખના રાજીનામાની માંગ ઉઠાવી હતી. તેવા સંજોગોમાં પ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવા દાવા પણ થયા હતા. ​​​​​​​

DIA નાણાં પરત કરે તેવી કંપનીઓની માગ
કોર્ટના હુકમના પગલે ડીઆઈએએ ટોરેન્ટ કમ્પનીને નાણાં પરત કરવાની ફરજ પડી હતી. જેના પગલે ડીઆઈએએ ખોટી રીતે જે 70થી વધુ કમ્પની પાસેથી પાણીના બિલ વસુલ્યા હતા તે તમામને તેમના હકના નાણાં પરત કરી દેવા જોઈએ તેવી માંગ દહેજ ઔદ્યોગિક ક્ષેત્રે ઉઠી છે. આ સંજોગોમાં DIA કેવું વલણ અપનાવશે તે જોવું રહ્યું.
હજી પણ કૌભાંડને છાવરવાના પ્રયાસો
પાણી કૌભાંડ બહાર આવતા જ ડીઆઈએ મેનેજમેન્ટ દોડતું થયું છે. અન્ય કમ્પનીઓને નાણાં પરત ન કરવા પડે તે માટે મેનેજમેન્ટને કવાયત હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. દહેજમાં ડિઝાસ્ટર મેંનેજમેન્ટ ઉભું કરવા મોટું ફન્ડ જરૂરી હોવાના બહાને કમ્પનીઓ પાસેથી પત્ર લખાવી રહ્યા છે. જેમાં કમ્પની પોતે પાણી કૌભાંડ હેઠળના નાણાં ડિઝાસ્ટરમાં આપતા હોવાના એકરાર કરાવી કૌભાંડનું ડિઝાસ્ટર કન્ટ્રોલ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...