મોતની દીવાલ:અંકલેશ્વરની પ્લાસ્ટોકોન કંપનીમાં નિર્માણાધીન દીવાલ ધરાશયી થતા કોન્ટ્રાક્ટર સહિત ચારનાં મોત, 3 ઘાયલ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિકની ટાંકીઓ અને પેલેટસ બનાવતી કંપનીમાં 6 ફૂટની દીવાલ ઉપર અન્ય દીવાલ ઉભી કરાઈ રહી હતી

અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળેથી મળેલી હોનારતની પ્રાથમિક વિગતો મુજબ અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે. કંપનીમાં સિવિલ વર્કનું કામ ચાલી રહ્યું હતું. જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવાની કામગીરી થઈ રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા ત્યારે જ ધડાકાભેર દીવાલ તૂટી પડતા મજૂરો દટાઈ ગયા હતા.

કામદારોની ચિચિયારીઓ વચ્ચે કંપની પરિસર ગુંજી ઉઠવા સાથે ત્રણ રસ્તા પર જ આવેલી કંપનીમાં દુર્ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. દીવાલ ધરાશયી થવાની ઘટનામાં કોન્ટ્રકટર તેમજ એક મહિલા સહિત 4 લોકોના સ્થળ ઉપર જ મોત થયા હતા.જ્યારે અન્ય 3 લોકો દીવાલના કાટમાળ નીચે દબાતા પગે, હાથે ફેક્ચર સાથે શરીરે ઇજાઓ પહોંચી હતી. રાહત બચાવની કામગીરી હાથ ધરવા સાથે 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું.મૃતદેહો તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ ઘાયલોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે જૂની દીવાલ ઉપર ચણતર કરતા હતા તે જ નવા ચણતર સાથે પડી
કંપનીમાં જૂની જર્જરિત દીવાલ ઉપર જ નવું ચણતર ચાલી રહ્યું હતું. જેમાં જૂની દીવાલ નવા ચણતરનો ભાર વેઠી નહિ શકતા કડડભૂસ થઈ હતી. અને તેના નીચે કામ કરતા કોન્ટ્રકટર સહિત 7 કામદારો દટાઈ ગયા હતા.

દીવાલ નીચે કાયમ માટે દટાઈ ગયેલી 4 જિંદગી

  1. સંગીતાદેવી સુરેશ મંડલ, ઉ.વ.30, હાલ રહે સારંગપુર, મૂળ બિહાર
  2. ગોપાલ જેસિંગ રાજપૂત ઉ.વ.45, હાલ રહે. સારંગપુર, મૂળ બિહાર
  3. સંજય રણછોડ વસાવા ઉ.વ. 30 , રહે. આમોદ
  4. મૌલા તોહસીન અંસારી ઉ.વ. 42

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કામદારો

  1. સોમલકુમાર સુકરા મંડલ ઉ.વ. 25
  2. કિશન મુસરૂ મંડલ ઉ.વ. 29
  3. તુલસીદેવી ભુદેવ મંડલ ઉ.વ. 35​​​​​​​ ​​​​​​​

પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ચણતર વખતે ધસી પડવાની ઘટનામાં 7 કામદારો દબાયા હતા. જે પૈકી કાટમાળ નીચે 4 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારમાં 45 વર્ષીય ગોપાલ જેસિંગ રાજપૂત રહે સારંગપુર અંકલેશ્વર કોન્ટ્રકટર હોવાનું બહાર આવ્યું છે. જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...