અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપરથી બે અલગ અલગ સ્થળોએથી ગૌ માંસના જથ્થા સાથે બે મહિલા, સગીરા સહિત પાંચ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 68 હજારનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ-અંકલેશ્વર રોડ પરથી ગૌ માંસ સાથે ત્રણની અટકાયત
અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પરથી ગૌ માંસનો જથ્થો લઇ મોપેડ સવારો પસાર થવાના છે જેવી બાતમીના આધારે પોલીસે અક્ષર આઇકોન સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળું મોપેડ આવતાં પોલીસે તેને અટકાવી તપાસ કરતાં ગૌ માંસનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલી બે મહિલાઓમાંથી એક સગીરા
પોલીસે ગૌ માંસ, બે મોબાઇલ ફોન, મોપેડ મળી કુલ રૂ. 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોહમ્મદ ઉંમર એહમદ કુરેશી, મેહજબિનબાનુ સરફરાઝ ઉસ્માન શેખ સિવાય એક સગીરાને ઝડપી પાડી હતી.
ગડખોલ ઓવરબ્રિજ પરથી રિક્ષામાંથી ગૌ માંસ પકડાયું
આવી જ રીતે ભરૂચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર રિક્ષા નંબર-જી.જે.16.વાય.6823માં ગેરકાયદેસર રીતે ગૌ માંસનો જથ્થો લઇ બે ઈસમો પસાર થવાના છે એવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતાં તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ ગૌ માંસ મળી આવ્યું હતું. પોલીસે ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલા રહેમત પાર્કમાં રહેતા રફીક અબ્દુલ મલિક, આઈશાબીબી નિઝામદ્દીન મુલ્લાને ઝડપી પાડી ત્રણ કિલો ગૌ માંસ અને રીક્ષા તેમજ ફોન મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માંસના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલી આપ્યા હતા અને એફ.એસ.એલ અધિકારીએ ગૌ માંસ હોવાની પુષ્ટિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.