મર્ડર મિસ્ટ્રી:અંકલેશ્વરમાં ઝાડીમાંથી મૃતદેહ મળવાનો મામલો, પીએફના નાણાં માટે બે મિત્રોએ જ મિત્રની હત્યા કરી હતી, પોલીસે એકને ઝડપી પાડ્યો

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે આરોપીઓ પૈકી એકને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો જ્યારે એક હજુ પોલીસ પકડથી દૂર
  • રૂપિયાની જરૂર ઉભી થતા બંને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું

અંકલેશ્વરમાં મીરાનગર પાસે થોડા દિવસ પહેલા ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. બે મિત્રોએ જ પીએફના નાણાં માટે મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બે પૈકી એક હત્યારાને ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-17મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના મીરા નગર પાછળ આવેલી હોટલ નર્મદા ગેટ પાસેની ઝાડીમાંથી એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામનારો યુવાન મૂળ યુપીનો અને હાલ શાંતિનગર ખાતે રહેતો મિથિલેશસિંહ પ્રમોદસિંહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી ઊંડાણમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં તેના જ 2 મિત્રોએ હત્યાં કરી હોવાની હકીકત સામે આવી હતી. હત્યા કર્યા બાદ બંને હત્યારાઓ વતન તરફ ભાગ્યા હોવાની શક્યતાને પગલે ભરૂચ એલસીબી પોલીસની ટીમે આર.પી.એફ તેમજ રેલવે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યાં હતા. જે પૈકી સુરત મુઝફ્ફર નગર જતી ટ્રેનમાંથી રતલામ પોલીસે અરુણ ચરણજીત સિંગ ઠાકોરને ઝડપી પાડ્યો હતો અને ભરુચ પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા હત્યારાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને વતન ખાતે રહેતી પ્રેમિકાની લગ્ન માટે દબાણ કરતા તેના લગ્ન કરવા અંકલેશ્વર લઈ આવ્યો હતો અને કોર્ટ મેરેજ કરવા રૂપિયાની જરૂર હતી. તો બીજા મિત્ર રંજન માથે દેવું વધી જતાં રૂપિયાની જરૂર ઊભી થઇ હતી. જે રૂપિયા માટે મિથિલેશ સિંહના પી.એફના નાણાં માટે બંને મિત્રોએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. મિત્રોએ ફરવા જવાનું કહી લઇ જઈ હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...