અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને અંજામ આપ્યો હતો. મીરા નગર અને કોસમડીની સન પ્લાઝામાં પસ્તીના વેપારી મહિલાને ત્યાં આ ગેંગે ત્રાટકી બંને સ્થળોએથી રોકડા સહીત દાગીના મળી કુલ 5.45 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારે જી.આઈ.ડી.સી.પોલીસે છારા ગેંગની સાત મહિલાઓને ઝડપી પાડી હતી. જોકે, અન્ય બેથી વધુ આરોપીઓ હજુ પણ ફરાર છે.
ગતરોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ પોતાના ઘરે હતા. આ દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદ એક મહિલા ઘરના ઘૂસી જઈ કબાટમાં રહેલા રોકડા 20 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી હતી.
આ મહિલાઓ લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવી હતી. જેથી સોસાયટીના લોકોએ સાત મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે રેખાબેન સતીશ દાતણિયા,કિરણબેન જહુન, સોનાબેન યુવરાજ, જમાબેન ઉર્ફે જેકત અમૃત, કોયલબેન બાદલ અને વસંતીબેન કુસવસ, સંગીતબેન બાદલને ઝડપી પાડ્યા હતા. જયારે અન્ય બેથી વધું લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી.
તો આવી જ રીતે આ અમદાવાદની છારા ગેંગની કોયલબેન બાદલ અને અન્ય પાંચથી છ મહિલાઓએ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી સન પ્લાઝામાં રહેતા મીનાદેવી દિનેશ રાવલ ગત તારીખ-17મી મેના રોજ પોતાની પસ્તીની દુકાન પર બેઠા હતા. તે દરમિયાન દુકાનદાર પાસે પાણી માંગી મીનાદેવી રાવલને વાતોમાં ભોળવી એક મહિલા દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલા રોકડા 4 લાખની લૂંટ ચલાવી હતી. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે ઝડપાયેલી છારા ગેંગની લૂંટારુ મહિલાઓની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.