ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં સન્માન ગેસ્ટ હાઉસના એક રૂમમાં ભાડેથી રોકાયેલાં અમદાવાદના એક શખ્સે મોડે સુધી દરવાજો ન ખોલતાં ગેસ્ટહાઉસના સંચાલકે દરવાજો તોડાવી અંદર પ્રવેશતાં તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. મૃતકે જાતે જ આપઘાત કર્યો હોવાની આંત્યેતિક ચિઠ્ઠી લખી હતી.
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલાં જનતા નગર ખાતે રહેતાં ભગવાન રમાકાન્ત ચૌધરી ગત શુક્રવારે ભરૂચ ખાતે આવ્યાં હતાં. તેમણે તેમણે રેલવે સ્ટેશન પાસે જ આવેલાં સન્માન ગેસ્ટ હાઉસમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. ગત 3જી જૂનની રાત્રીના 11 વાગ્યેથી તેમણે રૂમ બુક કરાવ્યાં બાદ બીજા દિવસે 4 જૂના રોજ સાંજ સુધી તેમણે દરવાજો પણ ખોલ્યો ન હતો. અને બહાર પણ આવ્યાં ન હતાં. જેના પગલે ગેસ્ટ હાઉસ સંચાલકોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.
જોકે, અંદરથી કોઇ અવાજ નહીં આવતાં કાંઇક અજૂગતું થયું હોવાની શક્યતાઓ વચ્ચે તેમણે દરવાજો ધક્કો મારી તોડીને ખોલી અંદર પ્રવેશ્યાં હતાં. અંદરના દ્રશ્ય જોઇ તેઓ ડઘાઇ ગયાં હતાં. ભગવાન ચૌધરીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેમણે તુરંત ભરૂચ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી આવી તપાસ કરતાં પોલીસને તેમની આંત્યેતિક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેમણે જાતે જ આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.