રાજય સરકારે દિવાળી પછી માગણીઓ સંદર્ભમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં નગરપાલિકાના કર્મચારીઓએ તેમની હડતાળ સમેટી લીધી છે. ભરૂચ નગરપાલિકામાં પણ હડતાળ પર ઉતરેલાં 750 કર્મચારીઓ ફરી કામે લાગી ગયાં છે.વિધાનસભાની ચુંટણી અને દિવાળીના તહેવારો પહેલાં નગરપાલિકાના કર્મચારીઓ તેમની પડતર માગણીઓને લઇને અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં હતાં. ભરૂચ નગરપાલિકાના પણ 750 જેટલા કર્મચારીઓ રાજયવ્યાપી હડતાળમાં જોડાયાં હતાં.
શનિવારથી નગરપાલિકામાં વહીવટી કામગીરી અટકી પડી હતી. હડતાળ દરમિયાન એક દિવસ માટે શહેરમાં અપાતો પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો તેમજ સ્ટ્રીટલાઇટો બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ગુરૂવારથી સફાઇ કામદારો પણ હડતાળમાં જોડાવાના હોવાથી શહેરમાં ગંદકીના ઢગલા ખડકાઇ તેવી સંભાવના હતી. ગુરૂવારે બપોર બાદ સરકારે પાલિકા કર્મચારી મહામંડળોને માગણીઓ સંદર્ભમાં દિવાળી પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
ગુરૂવારે બપોર બાદ ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તેમની કામગીરીમાં લાગી ગયાં હતાં. ભરૂચ શહેરમાં પાલિકા કર્મચારીઓની હડતાળના કારણે કચરાપેટીઓ ઉભરાય જતાં કચરો રોડ પર આવી ગયો હતો. ભરૂચના કર્મચારી આગેવાનોએ જણાવ્યું હતું કે, હડતાળ સ્થગિત રાખવામાં આવી છે. દિવાળી પછી સરકાર કોઇ કાર્યવાહી નહિ કરે તો ફરીથી હડતાળ પર ઉતરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.