ઉત્પાદન ઘટશે:ભરૂચ જિલ્લામાં તૌકતે બાદ માવઠાથી 40 હજાર હેકટરમાં મીઠાનું ધોવાણ, 50% ઉત્પાદન ઘટશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 105 અગરોમાં પાકતા 18 લાખ ટન મીઠા સામે આ વર્ષે 12 લાખ ટન ઉત્પાદનની શકયતા, સિઝન બે મહિના લંબાશે
  • કમોસમી​​​​​​​ વરસાદથી વાગરા, જંબુસર, હાંસોટમાં અગરો ધોવાતાં 5થી 7 લાખ ટન મીઠાના ઉત્પાદનને ફટકો

ભરૂચ જિલ્લામાં 40,000 એકરમાં આવેલા 105 મીઠાના અગરને તૌકતે વાવાઝોડા બાદ માવઠાથી ફરી મરણતોલ ફટકો પડયો છે. આ વર્ષે મીઠાનું ઉત્પાદન 7 થી 8 ટન ઓછું થવા સાથે ઉત્પાદનમાં લાખોની નુકશાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે.

જિલ્લામાં આવેલા મીઠા ઉધોગને તૌકતે વાવઝોડાથી અગાઉ કમરતોડ ફટકો પડ્યો હતો. હવે બે દિવસથી કમોસમી વરસાદના કારણે વાગરા, જંબુસર, હાંસોટ વિસ્તારમાં 105 અગરમાં તૈયાર થઈ રહેલા મીઠાનું વ્યાપક ધોવાણ થતા તમામ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવાનો વારો આવ્યો છે.

આ સંજોગોમાં અંદાજે 5 થી 7 લાખ ટનના મીઠાનું ઉત્પાદન વર્ષ 2021-22 ની સીઝન દરમ્યાન ઘટાડો થશે. પવનની ગતિ અને વરસાદને લીધે માટીથી બનાવેલ પાળા , તળાવો , કયારા સેકશન , રોડ - રસ્તાને નુકશાન થયું છે. મીઠાના એકમોમાં 50 % થી વધું માટીનું ઘોવાણ છે. જેને લઈ મીઠાની સિઝન બે મહિના વિલંબિત થવા સાથે ઉત્પાદન અડધુ થવાની દહેશત મધ્ય અને દક્ષિણ ગુજરાત મીઠા ઉત્પાદન સંઘે વ્યક્ત કરી છે.

ભરૂચ જિલ્લામાં વર્ષે 18 લાખ ટન મીઠું ઉત્પાદિત થાય છે. જે પેકી 20% ખાવામાં અને 80 % અન્ય કંપનીઓમાં વપરાય છે. અગાઉ તૌકતે વાવાઝોડાના પગલે અગરોમાં મોટા પાયે નુકશાન થવા સાથે પેહલી સીઝનમાં મીઠાના ઉત્પાદનમાં ₹15 થી 16 કરોડનો ફટકો પડયો હતો. જિલ્લામાં મીઠા ઉદ્યોગ સાથે અગારિયા સહિત 4000 થી વધુ પરિવારો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. હવે માવઠા બાદ ફરીથી પાળા બનાવવાની નોબત ઉભી થઇ છે.

અગાઉ રાહત પેકેજ આપવા મીઠા ઉદ્યોગોએ માગણી કરી હતી
ભરૂચ જિલ્લામાં વર્ષે 18 લાખ ટન મીઠું ઉત્પાદિત થાય છે. જે પૈકી 20% ખાવામાં અને 80 % અન્ય કંપનીઓમાં વપરાય છે. કુદરતી આપત્તિમાં મીઠા ઉધોગને ફોર્સ મેજર કુદરતી આફતનું સર્ટીફીકેટ આપવું જોઇએ. મીઠા ઉત્પાદકોને રૂા.5000 પ્રતિ એકર પ્રમાણે વગર વ્યાજની લોન બેંકમાંથી મળે તેમજ 2 વર્ષ માટે ભરવાપાત્ર રોયલ્ટીમાંથી રાહત આપવી જોઈએ તેવી રજુઆત અગાઉ પણ કરી હતી.

હવે માર્ચ મહિનામાં મીઠાનું ઉત્પાદન થશે
કમોસમી વરસાદથી જંબુસર, ગંધાર, દહેજ, અલાદર તેમજ હાંસોટ પંથકમાં આવેલાં 105 અગરમાં 3થી 5 લાખ ટન જેટલાં અંદાજે 30થી 35 કરોડના મીઠાના પાકને નુકશાન થયું છે. બે વખત ખલેલ થતાં હવે, માર્ચ મહિના સુધીમાં અન્ય કોઇ કુદરતી આફત ન આવે તો મીઠાનું ઉત્પાદન કરી શકાશે. સ્થાનિક ઉદ્યોગકારોને કુદરતી આફતને કારણે સમયસર મીઠાનો જથ્થો આપવું મુશ્કેલ બને તેમ હોવાથી તેઓ સ્થાનિક મીઠા ઉત્પાદનકર્તાઓની સ્થિતી સમજીને તેમને વ્યવસાયીક નુકશાન ન કરે તે જરૂરી છે.- પરાગ શેઠ, મીઠા ઉદ્યોગકાર.

અન્ય સમાચારો પણ છે...