ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ઉપર છેલ્લા 17 દિવસથી ચાલતા પારિવારિક વિખવાદનો આજે ગુરૂવારે અંત આવ્યો છે. પિતા છોટુભાઈ વસાવા માટે પુત્ર મહેશ વસાવાએ BTP માંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. મહેશ વસાવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પપ્પા સામે કોઇ પાર્ટીનો ઉમેદવાર ટકી ના શકે, તે આદિવાસીઓના મસીહા છે.' મહત્વનું છે કે, પિતા-પુત્રના વિવાદનો અંત આવતા હવે અન્ય પાર્ટીઓને ઝઘડિયા બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર છે.
પિતા-પુત્ર સામ સામે હતા
આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એક હથ્થું શાસન કરતા છોટુ વસાવા ફરી સુપ્રીમો સાબિત થયા છે. તેમણે 6 નવેમ્બર અને 11 નવેમ્બરે કહેલું કથન સાચું ઠર્યું છે. તેઓએ અગાઉ કહ્યું હતું કે, જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ. જે બાદ પુત્ર મહેશ વસાવાએ તેમની ઝઘડિયા બેઠક પરથી BTP માંથી ઉમેદવારી કરતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને અને કહ્યું હતું કે, હું જ્યાં ઉભો રહું છું ત્યાં પક્ષ -પાર્ટી બની જાય છે. ઝઘડિયા બેઠક ઉપર પિતા છોટુ વસાવા સામે મોટા પુત્ર મહેશ વસાવાએ BTP અને નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
બુધવારે દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. આજે ગુરુવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોટા પુત્ર મહેશ વસાવા પણ પિતા માટે ખસી જતા હવે ઝઘડિયા બેઠક ઉપર માત્ર છોટુ વસાવા જ ચૂંટણી જંગમાં રહ્યા છે અને પરિવારવાદના ચાલતા વિવાદનો અંત આવ્યો છે.
આ બેઠક પર કેન્દ્રની પણ નજર
ઝઘડિયા બેઠક ઉપર સમગ્ર ગુજરાત સાથે કેન્દ્રની નજર પણ કેન્દ્રિત થઈ હતી. પિતા-પુત્ર વચ્ચે વિવાદ થતાં બીજી પાર્ટીઓને આ બેઠક જીતવાની આશા હતી. જોકે, હવે માત્ર છોટુ વસાવા જ ઝઘફિયા બેઠક ઉપર અપક્ષ અને એકમાત્ર ઉમેદવાર રહેતા અન્ય પક્ષો માટે ચૂંટણી જીતવી કઠિન બની ગઈ છે.
પપ્પા સામે કોઈ પક્ષનો ઉમેદવાર ટકી ન શકે: મહેશ વસાવા
આજે ફોર્મ પરત ખેંચનાર BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હા મેં મારી ઉમેદવારી અમારા મસીહા છોટુભાઈ વસાવા માટે પરત ખેંચી લીધી છે. તેઓ ગરીબોના આઇકોન છે અને આદિવાસી સુપ્રીમો સામે ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનો ઉમેદવાર ટકી ન શકે. તેઓ માટે મેં મારી ઉમેદવારી ચૂંટણી જંગમાંથી પરત ખેંચી છે અને તેમના માટે હવે અમે પ્રચાર-પ્રસારમાં જોડાઇ ગયા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.