દાદાગીરી ભારે પડી:નેત્રંગના ઝોકલા ગામના 3 મહિનાથી ભાગેડુ સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી હટાવાયા

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ આણી મંડળીએ લગ્નમાં ગીતો વગાડવા બાબતે એક બાળક અને તેના પિતાને માર માર્યો હતો
  • સાથે ફરિયાદ આપવા જનારને રોકી તલવારો વડે જીવલેણ હુમલો કર્યો હતો

નેત્રંગ તાલુકાના ઝોકલા ગામે મોબાઈલ ઉપર ગીતો વગાડવા બાબતે તલવાર વડે કરાયેલા જીવલેણ હુમલામાં ત્રણ મહિનાથી ભાગેડુ સરપંચ મનોજ વસાવા અને ઉપસરપંચ કમલેશ વસાવાને જિલ્લા વિકાસ અધિકારીએ હોદા પરથી દૂર કરતો હુકમ કર્યો છે.

સરપંચનો દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો
નેત્રંગના ઝોકલા ગામે સરપંચ મનોજ વસાવાની દાદાગીરીનો કિસ્સો ગત મે મહીનામ સામે આવ્યો હતો. જેમાં ગામમાં લગ્ન હોય શૈલેષભાઇ પરિવાર સાથે ગયા હતા. તેમનો પુત્ર આશિષ પોતાના મોબાઈલમાં ગીતો વગાડતો હોય સરપંચને ગમ્યું ન હતું. સરપંચે તેને માર મારતા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની રીસ રાખી સરપંચ, ઉપસરપંચ કમલેશ વસાવા, સરપંચના ભાઈ અજય અને અન્ય આરોપીએ ફરિયાદી શૈલેશભાઈને ફટકાર્યા હતા. આટલેથી સરપંચ, તેના ભાઈ અને 7 આરોપીઓએ નહિ અટકી ફરિયાદી શૈલેષભાઇ સાથે ગયેલા રતિલાલ વસાવાને રાતે બાઇક ઉપર આંતર્યા હતા. તલવાર, લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરતા અન્ય ગ્રામજનોએ તેમને બચાવ્યા હતા.

બન્નેને હોદા ઉપરથી દૂર કરાયા
ઇજાગ્રસ્તની હાથ અને પગની નશો કપાઈ જતા ભરૂચ સિવિલ ત્યાંથી વડોદરા સયાજી અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. શૈલેષભાઇ અને રતિલાલ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે સરપંચ મનોજ વસાવા, અજય વસાવા, સચિન, પ્રભુ, વિશાલ, લક્ષ્મણ અને ઉપ સરપંચ કમલેશ વસાવા સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના પ્રયાસ, મહા વ્યથા, રાયોટિંગના ગુનામાં 3 મહિનાથી સરપંચ ભાગેડુ છે. જ્યારે ઉપસરપંચે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. આ ગંભીર ગુનામાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ 2 ઓગસ્ટે જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય કે પંચાયતની ટર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી બન્નેને હોદા ઉપરથી દૂર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...