મેકેનિકલ ડિપ્લોમા કર્યાં બાદ વિદેશ જવાની તૈયારી કરનાર યુવાને બોગસ પોલીસ બની એક યુગલને ધમકાવી તેમની પાસેથી 5 હજાર રોકડા-મોબાઇલનો તોડ કર્યો હોવાનો બનાવ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર એબીસી ચોકડીથી નર્મદા ચોકડી પાસે બન્યો હતો. પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર એબીસી ચોકડીથી નર્મદા ચોકડી તરફ જવાના માર્ગ પર એક યુવાન અને યુવતી તેમના અભ્યાસના કોઇ કામ અર્થે ઉભા હતાં. તે વેળાં એક શખ્સે બાઇક પર ત્યાં આવી તેઓને ધમકાવાનું શરૂ કર્યું હતું.
તેમજ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તેમની સામે કેસ કરવાની ધમકીઓ આપી હતી. બન્ને ગભરાઇ જતાં આખરે 10 હજારમાં મામલો પતાવવાનું કહેતાં યુવાને તેની પાસે માત્ર 5 હજાર હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ગઠિયાએ યુવાન પાસે એટીએમમાંથી 5 હજાર રૂપિયા ઉપડાવી રૂપિયા અને મોબાઇલ લઇ ત્યાંથી નાસી છુટ્યો હતો.
દરમિયાનમાં યુગલને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું લાગતાં તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસેે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે યુવાન અને તેની બાઇકના નંબરના આધારે તેની તપાસ કરતાં તેનું નામ કંદર્પ નરેશ પરમાર (રહે. શ્રદ્ધા સોસાયટી, લિંકરોડ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે મિકેનિકલ ડિપ્લોમા કર્યું હોવાનું અને તે ગ્રીસ જવા માટેની પ્રોસેસમાં હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, તેણે અન્ય કોઇને આ પ્રકારે લૂંટ કરી છે કે કેમ તેની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.