વન્યપ્રાણીનો હુમલો:ઝઘડિયાના વેલુગામે ખેતરમાં મજૂરી કામ કરી રહેલી મહિલા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયાના વેલુગામે ખેતરમાં મજૂરી કામ કરતી મહિલા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. આઠ દિવસમાં બીજી વખત ખેત મજૂરી કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વેલુગામ ગ્રામ પંચાયતે અગાઉ દીપડાને પાંજરે પુરવા લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.
મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાઈ
ગત તારીખ 25-12-2022ના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી, એ જ પ્રમાણે આજરોજ ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે કંચન માછી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલી મહિલા પર દીપડાયએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડાનો શીકાર બનતા બચાવી લીધી હતી. ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા આગળ ખસેડવામાં આવી હતી.
​​​​​​​દીપડાને ઝડપી પાડવા કોઈ કાર્યવાહી નહીં કરાઈ તો આંદોલનની ચીમકી
આ બનાવમાં મહિલાને જાંગના ભાગે તેમ જ બરડાના ભાગે ઇજાઓ પહોંચી હતી. વેલુગામ, ઇન્દોર, પાણેથા ખેત વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે જો ટૂંક સમયમાં આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઝઘડિયા વનવિભાગની ઓફિસ પર સમગ્ર ગ્રામજનો ભૂખ હડતાલ પર બેસીશું તેમ વેલુંગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...