આમોદના બત્રીસી નાળા પાસે કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જેથી દોડધામ મચી હતી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ ના થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કપાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમજ રોડ ઉપર બળેલાં કપાસનાં ઢગલા જોવા મળ્યા હતાં. આ આગની ઘટનાને પગલે સ્થાનીકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અમરેલી જિલ્લાના આટકોટ ગામથી કપાસ ભરીને કોસંબા જતી ટ્રકમાં આમોદના બત્રીસી નાળા પાસે અચાનક આગ લાગી હતી. ટ્રકના ડ્રાઈવરને કંઈક સળગતું હોવાની ગંધ આવતાં તેણે સમય સૂચકતા વાપરી પોતાની ટ્રક રોડની સાઈડ ઉપર ઉભી કરી દીધી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોને મદદ માટે બોલાવતા લોકોએ તુરંત જ સ્થળ ઉપર પહોંચી જઈ બંધ પડેલી સ્થાનિક કાફેનો બોર ચાલુ કરી દઈ પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ આમોદ નગરપાલિકાને પણ જાણ થતાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી પોતાના કર્મચારી અરવિંદ સોલંકી,બબુ બાદશાહ,હિતેન્દ્ર સોલંકી સહિતના કર્મચારી સાથે પાલિકાનું ગટર સાફ કરવાનું જેટકો મશીન લઈને આગ ઓલવવા માટે માટે પહોંચી ગયા હતાં અને જેટકો મશીન તેમજ બૉરના પાણીથી કપાસમાં લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
સદનસીબે ટ્રકને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું પરંતુ ટ્રકમાં રહેલો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને રોડ ઉપર બળેલાં કપાસના ઢગલા થઈ ગયા હતાં. બત્રીસી નાળા પાસે કપાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં આમોદ પાલિકાને જાણ થતાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી આમોદ પાલિકાના ગટર સાફ કરવાના જેટકો મશીન લઈને પોતાના કર્મચારી સાથે ઉપડી ગયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ પાલિકાનું ફાયર ફાઇટર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી જેટકો મશીનનો ઉપયોગ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.