તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વાગરા ખાતે ટેકાના ભાવ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા ટ્રેકટર રેલી યોજાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોએ વેદના સંભળાવી
  • ટ્રેકટરોમાં ડીઝલ નહિ અમારું લોહી બળે છે : અજીતસિંહ, ભારતીય કિસાન સંઘના પ્રમુખ

ભરૂચ જિલ્લાના મગ પકવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ટેકાના ભાવે સરકાર પોતાના મગ ખરીદશે તેવી આશાએ બેઠેલા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેતીની બીજી સીઝન આવી છતાં મગની ખરીદી શરૂ નહીં કરાતાં વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયાં છે. મામલતદાર અધિકારીને આવેદન પત્ર પાઠવ્યા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજની આગેવાનીમાં બંને તાલુકાના ખેડૂતો દ્વારા હનુમાન ચોકડીથી ડેપો થઈ મામલતદાર કચેરી સુધીની ટ્રેકટર રેલી કાઢી આક્રોશ સાથે મામલતદાર અધિકારીને વધુ એક વખત રજૂઆત કરવામાં આવી હતી. જો કે મામલતદાર અધિકારી પણ ખેડૂતોની માંગ સંતોષવા અસહાય નજરે પડ્યા હતાં.

હનુમાન ચોકડીથી ટ્રેકટરો સાથે રેલી નીકળી

ભારતીય કિસાન સંઘના પ્રમુખની આગેવાની અપાયેલા ચક્કાજામ વિરોધમાં વાગરા, આમોદ તેમજ ભરૂચ તાલુકાના ખેડૂતો વિશેષ જોડાયા હતાં. હનુમાન ચોકડીથી ટ્રેકટરો સાથે રેલી નીકળી હતી. જય જવાન, જય કિસાન, હમારી માંગે પૂરી કરો અને જો ખેડૂત હિત કી બાત કરેગા, વહી દેશ પે રાજ કરેગા ના સૂત્રોચ્ચારો બોલાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે એક સમયે વાગરા પોલીસે રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મૌખિક રજૂઆતના આધારે જાહેરનામાનાં અનુપાલન સાથે ટ્રેકટર રેલીને આગળ ધપાવવામાં આવી હતી.

ખેડૂતોના હજારો ક્વિન્ટલ મગ યોગ્ય ભાવની આશાએ પડી રહ્યાં

મામલતદાર કચેરીએ ખેડૂતોએ પોતાની વેદના મામલતદારને જણાવી હતી. દરમિયાન મામલતદારના એક પ્રશ્નના ઉત્તરમાં ખેડૂત દ્વારા જણાવાયું હતું કે આ ડીઝલ નહિ પણ ખેડૂતો પોતાનું લોહી બાળીને પોતાના હકની લડાઈ લડવા આવ્યા છે. સરકાર દ્વારા જાહેર એમએસપી મુજબની ખરીદી નહિ કરાતા ખેડૂતોને માર્કેટમાં નુકસાન વેઠીને મગ વેચવા પડી રહ્યા છે. હજારો ખેડૂતોના હજારો ક્વિન્ટલ મગ યોગ્ય ભાવની આશાએ પડી રહ્યાં છે.

યોગ્ય કિંમતે મગની ખરીદી કરે તેવી માંગ

જો જિલ્લાના તંત્ર દ્વારા આ મામલે કોઇ સમાધાન નહિ લાવવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડશે. મોંઘી ખેતી, અને ઓછી ઉપજ સામે નુકસાની વાળા માર્કેટ ભાવના કારણે વાગરા તેમજ આમોદ તાલુકાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થઈ છે. સરકાર આ મુદ્દે વહેલી તકે સમાધાન લાવે અને યોગ્ય કિંમતે મગની ખરીદી કરે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યાં છે. અને જો આ માંગ નહિ સંતોષવામાં આવે તો જિલ્લા સ્તર સુધીના કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ અજીતસિંહ રાજ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...