મોટી દુર્ઘટના ટળી:જૂના ભરૂચના કોઠી રોડ ઉપર ત્રણ મંજલી મકાનનો વચ્ચેનો ગાળો બેસી ગયો, રાત્રે રસ્તો બંધ કર્યા બાદ સવારે ખોલી દેવાયો

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂના ભરૂચમાં કોઠી રોડ ઉપર એક ત્રણ મંજલી જર્જરિત મકાનનો વચ્ચેનો ગાળો બુધવારે રાતે બેસી જતા દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડે રસ્તો બંધ કર્યા બાદ ગુરૂવારે ખોલી નખાતા હવે શુક્રવારે ગણેશ વિસર્જન વચ્ચે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ?
ભરૂચ સિટી વિસ્તારમાં હજી પણ વર્ષો જુના જર્જરિત મકાનો ધસી પડવાનો સિલસિલો સમયાંતરે જોવા મળી રહ્યો છે. હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ વચ્ચે બુધવારે રાતે કોઠી રોડ ઉપર એક ત્રણ મંજલી મકાનનો વચ્ચેનો ગાળો બેસી જતા દોડધામ મચી હતી. સદનશીબે મકાનમાં કોઈ રહેતું નહિ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.જોકે ફાયર બ્રિગેડને બનાવની જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડી આવી બેરીકેટ લગાવી અવરજવર માટે લોકોની સલામતી ધ્યાને લઇ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.જોકે આજે ગુરૂવારે રસ્તો ફરી ખોલી દેવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શુક્રવારે ગણેશ વિસર્જન છે અહીંથી ડી.જે. સાથે ગણપતિની સવારીઓ અને મંડળો નીકળશે ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...