ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેકટ એક્ઝિબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી યોજાશે. આ મેગા પ્રદર્શનમાં 380 જેટલા પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.
જ્ઞાનોત્સવ કાર્યક્રમના ભાગરૂપે નારાયણ વિદ્યાલય ખાતે પ્રેસ કોંફરન્સમાં પત્રકારોને માહિતી આપતા શાળાના ડાયરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે વિદ્યાની વહેંચણી અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ કાર્યક્રમ. વિસ્તારથી વાત કરતા તેમણે કહ્યું હતું કે માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા કે ક્રાફટ અને કલાના જ પ્રોજેકટ નહિ માનવજીવનને સ્પર્શતા વિષયો પર પણ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે લાવવા, બાળ માનસનું ઘડતર કઈ રીતે કરવું, વિદ્યાર્થીઓની ખૂબીઓને કઈ રીતે ઓળખવી, અક્ષર સુધારણા, ટ્રાફિક અંગે જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન સહિત સમાજ જીવનને સ્પર્શતા વિષયો પર પણ વિદ્યાર્થીઓ ઘ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવશે સાથે પ્રોજેકટ જોવા માટે આવતા વિદ્યાર્થી, વાલી, શિક્ષકો અને આમ જનતાને પણ વિશેષ જાણકારી મળશે. આ પ્રદર્શન માટે 200 જેટલા નિર્ણાયકો સેવા આપશે. જ્યારે 200થી વધુ વિશેષ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા પધારશે તેમ કહી ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તાર સહિત જિલ્લાભરની શાળાઓને જ્ઞાનોત્સવનો લાભ તેમની શાળાના વિદ્યાર્થીઓને પણ મળે તે માટે ખાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.
કોંફરન્સમાં ગુજરાતી વિભાગના આચાર્યા બીનીતાબેને વિદ્યાર્થીઓના પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે અંગ્રેજી વિભાગના આચાર્યા વિદ્યાબેન રાણા અને શાળાના શિક્ષક ચીમનભાઈએ પણ જ્ઞાનોત્સવ અંગે માહીતી આપી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પણ પ્રોજેકટ પ્રદર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.