રૂપિયા 200 આપો તો પરીક્ષાની રસીદ મળશે જંબુસરની નવયુગ વિદ્યાલયના ધોરણ 12 ના વિધાર્થીઓએ આચાર્યે આ કેફિયત વ્યક્ત કરી હોવાના આક્ષેપ કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓને હવે એક સપ્તાહનો પણ સમય રહ્યો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને પરેશાને કરનારી આ ઘટના સામે આવી છે.
આજે મંગળવારે જંબુસર નવયુગ વિધાલય ખાતે ધોરણ 12ના વિધાર્થીઓ પોતાની પરીક્ષા રસીદ લેવા ગયા હતા. જોકે વિધાર્થીઓના કહ્યા પ્રમાણે આચાર્યએ રસીદ આપવાની ના પાડી દીધી હતી. વિધાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, આચાર્ય એ તેમની પાસે ₹200 માંગ્યા હતા. જેને લઈ કેટલાક વિધાર્થીઓએ ભાવિનો સવાલ હોય 200 રૂપિયા ચુપચાપ આપી રસીદ મેળવી લીધી હતી. જ્યારે કેટલાય વિધાર્થીઓએ પરીક્ષા રસીદના 200 રૂપિયા શેના તેવા સવાલો ઉઠાવ્યા હતા.વિધાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે , શાળા વિકાસ ફંડ હેઠળ છાત્રો પાસેથી આ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જોકે શાળા ટ્રસ્ટએ વિકાસ ફાળા માટે કોઈ રકમ માંગી નહિ હોવાનું વિધાર્થીઓને કહ્યું હતું.
પૈસા શેના? પરીક્ષા રસીદ આપોની માગ સાથે વિધાર્થીઓ શાળા બહાર જ ધરણાં ઉપર બેસી ગયા હતા. વિવાદ અંગેની જાણ મીડિયાને થતા ભારે હોબાળો મચી જતા અંતે વિના પૈસા લીધા વિનાજ પરીક્ષાની રિસિપ્ટ આપવામાં આવી હતી અને જે પરીક્ષાર્થીઓ પાસેથી 200 રૂપિયા લેવાયા હતા તેને પરત કરાયા હતા. જિલ્લા શિક્ષણમાં ગંભીર કહી શકાય તેવી આ ઘટના અંગે આચાર્ય કે શાળાના ટ્રસ્ટીઓએ કોઈ સ્પષ્ટતા કે ફોડ પાડ્યો ન હતો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતાં તેમનો ફોન કવરેજની બહાર આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.