દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાંથી પોલીસે સ્ટીમ કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાડ પોલીસે પકડી પાડી રૂપિયા 38.37 લાખના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સાઈ મંદિર સ્થિત સન બંગલોઝમાં રહેતો જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ કેટલાક ઇસમો સાથે દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાં અદાણી એન્ટરપ્રાઈઝમાંથી કોલસો ભરી લઈ જતી ટ્રકોમાંથી કોલસો ચોરી કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ સમયે ડમ્પર નંબર-જી.જે.16.એ.વી.4041માંથી જે.સી.બી. મશીન વડે કોલસો ભૂકી ભરતા હતા.
આ દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 21 ટન સ્ટીમ કોલસો અને 88 ટન કોલસાની ભૂકી અને ડમ્પર, ફોર વ્હીલ ગાડી તેમજ 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ 38.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોલસા કૌભાંડમાં જગજીવન ઉર્ફે રીંકુ જશવિન્દર સિધ્ધુ, મુકેશ મહેન્દ્ર પૂજારા, મનસુખ હાપલીયા અને ડમ્પર ચાલક કિશનસિંહ દશરથસિંહ ગૌડ તેમજ બડેબાબુ અશરફી પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કોલસા અંગે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતાં આ કોલસો અદાણી એન્ટરપ્રાઇઝમાંથી જોલવા સ્થિત ફિલાટેક્ષ કંપનીમાં ખાલી કરવા નીકળતા ડમ્પર ચાલકોનો સંપર્ક કરી કાવતરું કરી સગેવગે કરવામાં આવતું હોવાનું જણાવ્યુ હતું. દહેજ પોલીસે ઝડપાયેલા પાંચેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.