સરકારે ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. છતાંય લોકો આર્થિક ફાયદા માટે ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરતા હોય છે. ઉતરાયણ પહેલા જ પતંગની દોરીથી ગળું કપાવાના બનેલા અલગ-અલગ ત્રણ બનાવોમાં એક મહિલાનું મોત નિપજતા પોલીસ વિભાગ સહિત તંત્ર પણ સાબદું બન્યું છે. ભરૂચ એ ડિવિઝનના પીઆઇ એ.કે.ભરવાડ અને તેમની ટીમને માહિતી મળી હતી કે,શહેરના નારાયણ નગર -1 ના મકાન નં. 14 માં રહેતા પવનકુમાર દિનેશચંદ્ર મહેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.જેના આધારે તપાસ કરતા તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા નંગ- 10 મળી આવેલા હતા.
જેની કિંમત રૂ.300 લેખે ગણતા કુલ કિંમત રૂ.3000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે બીજા કેસમાં પોલીસે શક્તિનાથ વિસ્તારમાં જલારામ સીઝનલ પતંગ સ્ટોર ચલાવતા રૂપેશ રાજુભાઈ કાયસ્થની દુકાનમાં માહિતીના આધારે તપાસ કરતા તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા નંગ-11 દરેકની અંદાજિત કીમત રૂપિયા 250 લેખે કુલ કિંમત રૂપિયા 2750 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.એ ડિવિઝન પોલીસે બંનેય વિક્રેતા વિરુધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વિક્રેતા પર કરેલા કેસના કારણે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.