ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમદપૂરા વચ્ચે નિર્માણ પામનારા ફલાય ઓવરબ્રિજના કામને સરકાર દ્વારા સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રૂ. 60 કરોડથી વધુના ખર્ચે આ ફ્લાય ઓવર નિર્માણ પામશે.
1530 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવાશે
ભરૂચ શહેરના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના લોકોને મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવા માટે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે હવે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહંમદપુરા સુધી 1530 મીટર લાંબો ઓવરબ્રિજ બનાવવામાં આવશે. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભરૂચમાં પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પહોળો ફ્લાયઓવર બ્રિજ બનશે. જેની સૈધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને રૂ.61 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.
ધારાસભ્યની રજૂઆત ફળી
પશ્વિમ વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિવારણ લાવવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપ બ્રિજના કામને મંજૂરી આપવામાં આવી છે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલવે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે. એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.