તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેતીના પાકમાં વિકૃતિ આવતાં આમોદ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટીઓની બેઠક મળી

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોએ ખેતીની નિષ્ફળતા બાબતે ઉગ્ર રજૂઆત કરતાં ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરવા બાંહેધરી આપી

આમોદ નગર સહિત પંથકમાં ખેતીના પાકમાં વિકૃતિ આવતા આમોદ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જે બાબતની અનેક રજૂઆતો ધારાસભ્યને મળતા આજ રોજ આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અઘ્યક્ષતામાં ગામના સરપંચ અને તલાટીઓની તાકીદની બેઠક મળી હતી. જેમાં જંબુસરના નાયબ કલેકટર, આમોદ નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આમોદ નગર સહિત પંથકના ગામડામાં ખેતીના પાકમાં દહેજની ઝેરી ગેસ ઓકતી કંપનીઓને કારણે કુત્રિમ આપત્તિ ઉભી થતા કપાસ, તુવેર તેમજ અન્ય પાકમાં વિકૃતિ આવતા ખેડૂતોને ઉભો પાક નાશ પામ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં લહેરાતો ઉભો પાક પણ વિકૃતિને કારણે પોતે જ નાશ કરી દીધો છે.

આ ઉપરાંત આમોદ પંથકમાં કુદરત પણ જાણે નારાજ હોય તેમ વરસાદ પણ નહિવત હોવાથી ખેડૂતો બેવડી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેના કારણે આમોદ પંથકના અનેક ખેડૂતોએ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને વિવિધ રજુઆત કરતા આજે તાકીદની બેઠક ધારાસભ્યએ બોલાવી હતી. જેમાં ખેડૂતોને કપાસ તેમજ તુવેર સહિતના પાકમાં થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર મળે તેવી રજુઆત કરવામાં આવી હતી. તેમજ આમોદ પંથકમાં ચાલુ સિઝનનો માત્ર સાડા ચાર ઇંચ એટલેકે માત્ર 115 એમએમ જ વરસાદ નોંધાયો છે. જેથી ખેડૂતોએ આમોદ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી.

ખેડૂતોના પાક ઉપર એકબાજુ કુત્રિમ આફતથી પાકમાં વિકૃતિ આવી છે તેમજ બીજીબાજુ વરસાદ પણ નહિવત વરસ્યો હોવાથી નહેરોનું વહેલી તકે રીપેરીંગ કરાવી નહેરોનું પાણી વહેલી તકે આપવા માંગણી કરી હતી. તેમજ નહિવત વરસાદથી ભવિષ્યમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત દહેજની ઝેરી ગેસ ઓકતી કંપનીઓને કારણે પાકમાં નિષ્ફળતા મળતા હવે ખેડૂતોને શિયાળુ પાક કરતપણ ડર સતાવી રહ્યો છે. ખેતી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કુત્રિમ આપતિને કારણે જો ફરીથી આવી આપત્તિ આવે તો...જેવા ડરને કારણે ખેડૂતો હવે બીજા પાક કરતા પણ ડર અનુભવી રહ્યો હોય જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઉપરાંત નહિવત વરસાદને કારણે પશુઓ માટે વિના મૂલ્યે ઘાસચારો પૂરો પાડે તેવી માંગ કરી હતી. તેમજ જો દહેજની ઝેરી ગેસ ઓકતી કંપનીઓને કારણે પાક પણ નિષ્ફળ જતો હોય તો ભવિષ્યમાં મનુષ્યજાતિ સામે પણ સવાલો ઉભા થાય તેમ હાજર ખેડૂતોએ રજુઆત કરી આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

તેગવા ગામે કપાસની ઠાઠડી બાંધી ગામલોકોએ મરસિયા ગાઈ હાય હાય બોલાવી

આમોદ નગર સહિત પંથકના ખેતરમાં ખેડૂતોના ઉભા પાકમાં દહેજની ઝેરી ગેસ ઓકતી કંપનીઓને કારણે પાકમાં વિકૃતિ આવતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. જેને કારણે ખેડૂતોનો રોષ પણ આશામને પહોંચી ગયો છે. ત્યારે આમોદ તાલુકાના તેગવા ગામે આજે ખેડૂતોએ ભેગા મળી વિકૃત થયેલા કપાસના પાકની ઠાઠડી બાંધી જવાબદાર કંપનીઓના નામના મરસિયા ગાઈ હાય હાય બોલાવી હતી. અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી.

કોઠી ગામનાં સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, ઝેરી કેમિકલ છોડતી કંપનીઓને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને માનવ સર્જિત આફત ઉભી થઇ છે. ઉપરાંત વરસાદ પણ નહિવત છે. જેથી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પીવાના પાણી તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. 2013માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ખેડૂત બીજો પાક લઈને પગભર બન્યો હતો પણ જો હવે વરસાદ પડે તો પણ ખેડૂતે શિયાળુ પાક કરવા કે કેમ તેનો ડર સતાવી રહ્યો છે. કારણ કે બીજો પાક પણ થશે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે. ઝેરી કેમિકલને કારણે પાકમાં વિકૃત્તિ આવતાં ખેડૂત ડરી ગયો છે જેથી આવી ઝેરી રસાયણ છોડતી કંપનીઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...