આગ:વાલિયામાં અનાજ કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક થતા વેપારીને રૂપિયા 2 લાખથી વધુનું નુકસાન

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગની ઘટનાને પગલે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
  • વાલિયા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાથી સમયસર આગ બુઝાવી ન શકાય

વાલિયા ગામની મુખ્ય બજારમાં આવેલ શિવમ ટ્રેડર્સમાં આગ લાગી હતી. જેથી દુકાનમા રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ આગની ઘટનામાં વેપારીને રૂપિયા 2 લાખથી વધુનું નુકસાન થયું છે.

મૂળ વાલિયાના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા ભરત મોદીની વાલિયા ગામની મુખ્ય બજારમાં શિવમ ટ્રેડર્સ નામની અનાજ કરીયાણાની દુકાન છે. જેઓ બુધવારે પોતાની દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અંદાજે રાતે 9 વાગ્યાના અરસામાં તેઓની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ભર બજારમાં નાસભાગ મચી હતી. થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં મુકેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

આ આગને પગલે બજારમાં ભારે ભીડ જમાં થઈ ગઈ હતી અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ બુજાવી હતી. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. સામી દિવાળીએ સામાન બળી જતા વેપારીને રૂપિયા 2 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાલિયા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાથી સમયસર આગ બુઝાવી શકાય નથી. ત્યારે વાલિયા ખાતે પણ ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે તો નેત્રંગ તાલુકા સાથે ડેડીયાપાડા તાલુકાના ઈમરજન્સી સમયે તેનો લાભ મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...