લોકો દેશ ભક્તિના રંગમાં રંગાયા:ભરૂચમાં ભવ્ય વિરાંજલીનો કાર્યક્રમ યોજાયો, 130 કલાકારોએ દેશવીરોના આબેહૂબ પાત્ર નાટય સ્વરૂપે ભજવ્યાં

ભરૂચ17 દિવસ પહેલા
  • વીરાંજલીમાં વ્યક્ત થઈ વિરોની ગાથા, 10 હજારથી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો
  • રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમને અદ્ભૂત સફળતા મળી

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વિરાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અનેક દિગ્ગજ કલાકારો અને ખાસ સાઈરામ દવે દ્વારા દેશની આઝાદી માટે શહિદી વ્હોરનારા શહીદોના પાત્રની નાટ્ય સ્વરૂપે જિલ્લાવાસીઓ સમક્ષ પ્રસ્તુતી કરી હતી. વીરાંજલી કાર્યક્રમ થકી દેશપ્રેમ છલકાઈ ઉઠવા સાથે વીરોની ગાથા ફરી ભરૂચમાં જીવંત થઈ હતી. સાંઇરામ દવે સહિતના 130 કલાકારોએ દેશવીરોના આબેહૂબ પાત્ર નાટય સ્વરૂપે ભજવ્યાં હતા.

વિરોની વિઝ્યુઅલ ગાથા થકી દેશ પ્રેમના રંગે રંગાયા

આ કાર્યક્રમ દરમ્યાન હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ નાનું પડ્યું હતું. અંદાજીત 10 હજારથી વધુ લોકો દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો. શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, મહારાણી લક્ષ્મીબાઈ સહિતના દેશની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી સહિતના આઝાદીમાં યોગદાન આપનારા ઘડવૈયાને યાદ કરવામાં આવ્યા હતા. ત્રણ કલાક સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ ભારે જનમેદની વચ્ચે આધુનિક મંડપ, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને વિરોની વિઝ્યુઅલ ગાથા થકી દેશ પ્રેમના રંગે રંગાઈ ગયું હતું.

સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

વિરાંજલી કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધક્ષક ડૉ. લીના પાટીલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભારતસિંહ પરમાર નિરલ પટેલ, નિશાંત મોદી, સંકેત શર્મા, રમતગમત અધિકારી સહિત મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ, ભાજપાના હોદ્દેદારો અને શહેર તેમજ જિલ્લાના પ્રજ્જનોએ કાર્યક્રમને નિહાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...