દુર્ઘટના:કારની ટક્કરે મોપેડ પરથી પટકાતાં બાળકીનું મોત

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના સિવિલ રોડ પર બનેલી ઘટન

ભરૂચ શહેરમાં આવેલી મહાવીર ઝૂપડપટ્ટી ખાતે રહેતાં ઇમરાન સૈયદની 11 વર્ષીય પુત્રી અક્ષા તેમજ 8 વર્ષની પુત્રી આફિયા રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સોમવારે સવારના સમયે તેમને કલર કામની મજુરીએ જવાનું થતા તેમણે તેમના પાડોશમાં રહેતા મિત્ર રાજુ ચૌહાણનો પુત્ર વિક્રમને તેમની બન્ને પુત્રીઓને મોપેડ પર સ્કૂલે મુકીઆવવા કહેતા વિક્રમ બન્ને બહેનોને શાળાએ મુકવા માટે જઇ રહ્યો હતો.

તે વેળાં સિવિલ રોડ પર આવેલી ગીતા પાર્ક સોસાયટી સામેથી પસાર થતાં સમયે એક કાર ચાલકે પુરઝડપે ધસી આવી તેમની મોપેડને ટક્કર મારતાં તેઓ નીચે પટકાયાં હતાં. જેમાં 11 વર્ષીય અક્ષાના માથામાં ગંભીર ઇજાઓ થતાં કાર ચાલકે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

જોકે, તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઘટના સંદર્ભે મૃતક બાળકીના પિતા ઇમરાન મહંમદ સૈયદે ભરૂચ એ ડીવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...