ગુજરાતમાં ફરી મોતની આગ:ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગમાં મોતનો આંકડો 18એ પહોંચ્યો, 16 દર્દી અને 2 સ્ટાફ કર્મી જીવતા ભૂંજાયા

ભરૂચ7 મહિનો પહેલાલેખક: જીગર દવે
આગ લાગતા દર્દીઓ સ્ટ્રેચર પર જ ભડથું થઇ ગયા.
  • બે સિનિયર આઇએએસને ભરૂચ મોકલી તપાસના આદેશ અપાયા
  • પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICUમાં 27 દર્દીઓ દાખલ હતાં
  • બચી ગયેલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમુદ સહિતની હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે મધરાતે 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. સરકારે બે આઇએસ અધિકારીને ઘટનાની તપાસ સોંપી હતી તો મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માન્યો હતો. કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં 12 દર્દી વેન્ટિલેટર પર હતા અને 2 દર્દી બાઇપેપ પર હતા. રાત્રે 12.30 વાગ્યે 5 નંબરના બેડ પાસેના વેન્ટિલેટરમાં સ્પાર્ક સાથે આગ ફાટી નીકળી હતી.

આક્રંદ કરતા મૃતકના પરિવારજનો
આક્રંદ કરતા મૃતકના પરિવારજનો

સેનેટાઇઝર ઢોળાયું અને આગ ફેલાઈ
નાસભાગ વચ્ચે સેનિટાઇઝર ઢોળાઈ જતા આગ પ્રસરી હતી. આગની ઝપેટમાં ડ્યુટી પરની નર્સના પીપીઇ કિટ પણ આવી ગઈ હતી. જેના કારણે 2 નર્સના પણ કરુણ મોત થયાં હતાં. જોતજોતામાં ઘટનાસ્થળે 4 હજાર લોકો ઉમટી આવ્યા હતા. તથા બચાવ અભિયાન શરૂ કર્યું હતું. લોકોએ મળીને તત્કાળ 35 દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન 11 દર્દી દઝાયા હતા. મૃતકોની હાલત એવી હતી કે તેમની ઓળખ કરતા 6 કલાકનો સમય લાગ્યો હતો.

આગમાં બચી ગયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી.
આગમાં બચી ગયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી.

35 દર્દીને બચાવી લેવાયા, 11 દર્દી દાઝી ગયા, સ્વજનોના આક્રંદ વચ્ચે બચાવ થયો
મધરાતે લાગેલી આગને પગલે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ ઓડિયો મેસેજ વાઇરલ કરતા જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા. 35 દર્દીઓને લોકોએ બચાવી લીધા હતા જે દરમિયાન 11 દર્દીને દાઝી જતા ઈજાઓ થઈ હતી. જો કે મૃતકોના સ્વજનો ધસી આવતા તેમણે આક્રંદ કરી મૂક્યું હતું. જે દરમિયાન બચાવ અભિયાન પણ જારી રહ્યું હતું.

આગ હોસ્પિટલના અન્ય ભાગમાં પણ પ્રસરી હતી.
આગ હોસ્પિટલના અન્ય ભાગમાં પણ પ્રસરી હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની સંભાવના સેનિટાઇઝરે બળતામાં ઘી હોવાનું કામ કર્યું
​​​​​​​
વીજ વિભાગે જણાવ્યું હતું કે ઓવરલોડને કારણે આગ લાગી હોવાની કોઈ શક્યતા નથી. પણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે. નિષ્ણાંતે જણાવ્યું હતું કે રાત્રે ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી આગ ઝડપથી પ્રસરી હોઈ શકે છે. સાથે જ સેનિટાઇઝર ઢોળાઈ જતા પણ આગ વિકરાળ બની હોવાનું તારણ છે. સેનિટાઇઝર પૂર્ણ બળે નહીં ત્યાં સુધી સળગ્યા કરે છે.

આગની જાણ થતાં દર્દીઓના સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા.
આગની જાણ થતાં દર્દીઓના સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા.

​​​​​​​

પોલીસે કાચ તોડ્યા તો દર્દીએ બૂમ પાડી, ‘અમે કોરોનાવાળા છીએ’
આગ લાગી ત્યારે ભરૂચ પોલીસની એક ટીમ તુરંત ત્યાં પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, અમે ચારથી પાંચ પોલીસે જીપમાંથી લાકડીઓ લાવી કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા. અમે લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું તો દર્દીઓએ બૂમ પાડી કે અમે બધા કોરોનાવાળા છીએ. છતાં અમે બચાવ અભિયાન જારી રાખ્યું હતું.

ઘટનાના 8 કલાક બાદ તમામ મૃતહેદોને પરિજનોને સોંપવામાં આવ્યા
સમગ્ર ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જે બાદ કોરોના દર્દીઓના પરિજનોની ચિચિયારીઓ વચ્ચે સ્વજનોને શોધતા લોકોથી ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ બહાર અને અંદર હજારોની ભીડ વચ્ચે સ્ટ્રેચરો પર મુકાયેલા જીવતા જ બળી ગયેલા હતભાગીઓના મૃતદેહની ઓળખવિધિમાં સમગ્ર હોસ્પિટલમાં સ્વજનોના હૈયાફાટ રૂદનના પડઘા પડી રહ્યા હતા. સવારે 9 કલાકે તમામ 16 મૃતદેહોની ઓળખ તેમના સગા સબંધીઓ કરી દેતા મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. જ્યારે 35 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયાનો તાગ સવાર સુધીમાં 22 દર્દીઓનો જ મેળવી શકાયો હતો.

ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ તપાસમાં લાગી
સમગ્ર રાત્રી દરમિયાન પટેલ વેલફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ, એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ દોડી આવી ક્યાં કારણોસર આગની ઘટના ઘટી તેનું કારણ જાણવા લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાના રેન્જ IG હરિકૃષ્ણ પટેલ પણ ભરૂચ પહોંચ્યા છે.

બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલ
બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલ

ફર્સ્ટ પર્સન - ‘સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તત્કાળ મદદ માગી’
બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલ
જણાવે છે કે, શુક્રવારે રાત્રે મારી સાથે 3 સ્ટુડન્ટસની ડયૂટી હતી. રાત્રે 12.30 વાગ્યાના અરસામાં વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ સ્ટાફમાં દોડધામ મચી હતી. જેમાં ઓચિંતી આગ શરૂ થઇ જતાં સાથી નર્સ ફરીગા ખાતુનની પીપીઇ કિટ સળગવા માંડી હતી. હું બાજુમાં જ ઊભી હોવાથી હાથથી તેની કિટની આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારી કિટ પણ સળગવા માંડી હતી. અમારા બંનેની કિટમાં આગ લાગેલી જોઇને અમારી ત્રીજી સાથી નર્સ માધવી દોડી આવી હતી. માધવી અને ફરીગા બંને વોશરૂમ તરફ દોડી હતી. જ્યાં આગ પ્રસરી ગઇ હતી. આગ લાગવા સાથે અંધારપટ છવાઇ જતાં શું કરવું તેની સમજણ પડતી ન હતી. મેં બચવા માટે બહાર નીકળવા દોટ મૂકી હતી. બહાર નીકળીને મેં સળગી રહેલી પીપીઇ કિટ કાઢીને ફેંકી દીધી. મેં વિલંબ કર્યા વિના મારા સરને કૉલ કરીને મદદ માગી હતી. એ રાત હું ભૂલી નહીં શકું, ભીષણ આગ, સાથી નર્સની બચવા માટેની દોડધામ, ધુમાડો, અંધારપટ વચ્ચેનું બિહામણુ દ્દશ્ય આંખ બંધ કરતા નજર સામે આવે છે. સંતોષ એ વાતનો છે કે અમે 3 સહેલીએ એકબીજાને બચાવવા છેક સુધી પ્રયાસ કર્યા અને અફસોસ એ છે કે મારી 2 સહેલીએ મને કાયમ માટે અલવિદા કરી દીધી.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ
ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 16 દર્દીઓ, 2 કર્મી અને સહિત 18 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.​​​​​​​
5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં
બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.​​​​​​​

40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી
હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 દર્દીઓ સહિત 16 લોકો બેડમાં બળીને ખાક થઇ ગયા હોવાનુ પ્રથામિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા હોવાના એહવાલ સાંપડ્યા છે. બનાવ એટલો બધો ગંભીર અને દર્દનાક હતો કે મદદ માટે લોકોએ રડતા અવાજમાં સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વહેતા કર્યા હતા તો બીજી તરફ આગના પગલે વીજપુરવઠો ખોરવાતા બચાવ કમગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

અગાઉ અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી
ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની મુખ્યમંત્રીની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇએએસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવા આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...