કાર્યવાહી:ખાણ-ખનીજ વિભાગની જીપને ડમ્પરે ટક્કર મારી

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા પંથકમાં સુરતની ફ્લાઇંગ સ્કવોડનું ચેકિગ, રતનપોર ઢાળ પર ટ્રક મૂકી ડ્રાઇવર ફરાર, ટ્રક ગગડી જીપમાં ભટકાઇ

સૂરતની ખાણખનીજ ફ્લાઇંગ સ્કવોર્ડની ટીમ બુધવારે સવારે ઝઘડિયા પંથકમાં ચેકિંગ અર્થે નિકળી હતી. દરમિયાનમાં રતનપોરના ઢાળ પાસે તેમણે એક હાઇવા ટ્રકને અટકાવતાં ડ્રાઇવર ટ્રક મુકી નાસી છુટ્યો હતો. જોકે, તેણે ઢાળ પર હેન્ડબ્રેક માર્યાં વિના ટ્રક મુકી હોઇ ટ્રક ફ્લાઇંગ સ્કવોર્ડની સરાકારી જીપમાં ભટકાઇ જતાં નુકશાન થયું હતું. ટીમે 37.12 મેટ્રીક ટન રેતી ભરેલી ટ્ક કબજે કરી ફરાર ટ્રક ચાલક તેમજ અન્ય મળતિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકામાં જિલ્લામાં રેતી-કપચી સહિતની સૌથી વધુ ખનીજની લીઝો આવેલી છે. ત્યારે છાસવારે ગેરકાયદે ખનીજ ચોરીના બનાવો બનતાં હોય છે. ઉપરાંત અનેક રજૂઆતો પણ સ્થાનિક કક્ષાએ કરવામાં આવે છે. દરમિયાનમાં સૂરતની મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કવોર્ડની કચેરીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નરેેશ માવજી જાની તેમજ તેમની ટીમ સરકારી જીપમાં ઝઘડિયા પંથકમાં ચેકિંગ અર્થે નિકળ્યાં હતાં.

રતનપોર ઢાળ પાસે રાજપારડી તરફથી આવતી એક હાઇવા ટ્રકને તેમણે ઉભી રખાવી પુછપરછ કરવા છતાં ડ્રાઇવરે તમે અમને ખોટી રીતે હેરાન કરી ટ્રક ઉભી રાખો છો તેમ કહેતાં અધિકારીઓએ તેને ટ્રકમાંની નીચે ઉતરવા કહેતાં ડ્રાઇવરે ટ્રકને હેન્ડ બ્રેક માર્યા વિના જ નીચે ઉતરી ત્યાંથી ભાગી ગયો હતો.

બીજી તરફ ટ્રક ઢાળ પર હોઇ તે ગગડીને સરકારી જીપમાં ભટકાઇ જતાં જીપને નુકશાન થયું હતું. ટીમે ટ્રક કબજે કરી તેમાં ભરેલી રેતીની માપણી કરતાં ટ્રકમાં 37.12 મેટ્રીક ટન વજનની ગેરકાયદે રેતી ભરેલી જણાઇ આવી હતી.

ઘટનાને પગલે તેમણે તુરંત રાજપારડી પોલીસ મથકે ટ્રકના ચાલક સહિત તેના માલિક અને લીઝધારક સહિતના મળતિયાઓ વિરૂદ્ધ ગુજરાત ( ગેર કાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમન વર્ષ 2017ના નિયમ 3,5,7 અને 10ના ભંગ તેમજ એમએમડીઆર એક્ટ વર્ષ 1957ની કલમ4(1), 4(1)(એ)નો ભંગ તેમજ કલમ 21(1), 21(2), 21(4) અને 21(6) મુજબના ગુના હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...