ભરૂચ શહેરના લિંકરોડ વિસ્તારમાં આવેલી આસુતોષ સોસાયટી-2માં રહેતાં સતિષ ગિરધર જાદવ દહેજની મેઘમણી કંપનીમાં એચઆર વિભાગમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 11 મેના રોજ સાંજે કંપનીમાં તેમની ઓફિસમાં બેઠાં હતાં. તે વેળાં સિક્યુરિટી સુપરવાઇઝરે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, અરવિંદ ગોહિલ તમને મળવા માંગે છે.
જેથી તેઓ ઓફિસમાંથી બહાર આવતાં અરવિંદ તેમજ અગાઉ તેમની કંપનીમાં કામ કરતાં શૈલેષ ગોહિલ તેમજ શંકર ગોહિલ સહિત 10થી 12 લોકોનું ટોળું ત્યાં ગેરકાયદે રીતે કંપનીના ગેટની અદર ઘુસી આવેલું જણાયું હતું. તેઓ ત્યાં પહોંચતાં જ અરવિંદે તેમને અપશબ્દો ઉચ્ચારી મારા માટીના તેમજ નિયતી એન્ટરપ્રાઇઝ તેમજ પીઆર એન્ટરપ્રાઇઝના નામે ચાલતાં લેબર કોન્ટ્રાક્ટના બિલો કેમ ચુકવતાં નથી.
જેથી તેમણે જણાવ્યું હતું કે,તમારા બીલો મારા તરફથી ક્લિયર કરી અમદાવાદ હેડ ઓફિસ મોકલી આપ્યાં છે. જેથી અરવિંદે ઉશ્કેરાઇ જઇ તમામી કંપનીમાં ગેરકાયદે કામો થયા છે, કંપનીના કારસ્તાનો બહાર પાડવા અમારે તેના ફોટા -વિડિયોગ્રાફી કરવી છે માટે અંદર જવાની પરમિશન આપો તેમ કહેતાં એચઆર આસી. જનરલ મેનેજર સતિષ જાદવે તેમને તેમની પાસે સત્તા હોવાનું કહી શાંતિથી વાત કરીએ તેમ કહેતાં અરવિંદ તેમજ અન્ય એક શખ્સ તેમની ઓફિસમાં ગયાં હતાં.
જ્યાં અરવિંદે તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી બહાર નિકળતી વેળાં તેમને ઓફિસમાં જ બંધ કરી બોઇલર પ્લાન્ટ પાસે જઇ ગેરકાયદે ફોટો-વિડિયોગ્રાફી કરી હતી. બનાવને પગલે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને બોલાવતાં પોલીસે બધાને બહાર કાઢ્યાં
અરવિંદ તેમજ તેના સાગરિતો કંપનીમાં ગેરકાયદે પ્રવેશી વિડિયો-ફોટોગ્રાફી કરી રહ્યાં હતાં. તે અરસામાં તેમણે પોલીસને જાણ કરી હોઇ પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી હતી. ટીમે કંપનીમાં પ્રવેશેલાં તમામ લોકોને બહાર કાઢ્યાં હતાં.
કંપનીએ સસ્પેન્ડ કરેલાં 3 પૈકી એક અરવિંદના બનેવી
કંપનીના એચઆર વિભાગના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સતિષ જાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કંપની સાથે નાણાંકિય છેતરપિંડી કરનારા 3 અધિકારીઓને 5 એપ્રિલે છુટા કરી દીધાં હતાં. જેમની ઇન્કવાયરી હજી પેન્ડિંગ છે. તે પૈકીના શૈલેશ ગોહિલ અરવિંદ ગોહિલના બનેવી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.