દહેજ જીઆઇડીસીના એસેટ 2માં આવેલી બાયોક્રોપકેર કંપનીમાં ગત 26મી જૂનના રોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જેની તપાસમાં પોલીસે સરકારી વકીલનો અભિપ્રાય મેળવી કંપની સંચાલકો તેમજ લેબર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સદોષ માનવવધનો ગુનો બનતો હોવાનું માલુમ પડતાં દહેજ પોલીસે ગુનો નોંધ્યો છે. દહેજ ખાતે આવેલી બાયોક્રોપ કેર કંપનીમાં અગ્રો પ્રોડક્ટ્સ બનાવાય છે. ગત 26 જૂનના રોજ વદદલા ખાતે રહેતાં હરજાના મનીષ ઉર્ફે માસકુંવર પારઘી, બધીબેન અજય મેલા, રાજ અહિરસિંહ પારઘી કંપનીમાં કામ કરી રહ્યાં હતાં.
તે વેળાં કંપનીમાં સ્ટ્રેક્ચર મશીનની મદદથી સામાનનો મોટો જથ્થો ઉપરના માળે લઇ જવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક કોઇ ક્ષતિના કારણે સામાનનો જથ્થો નીચે પડતાં સામાનની નીચે હરજાના, બધીબેન તેમજ રાજ દબાઇ ગયાં હતાં. જેમાં હરજાનાનું સ્થળ પર જ મોત થયું હતું. દહેજ પોલીસે મથકે ગુનો નોંધી તપાસ દરમિયાન પીએસઆઇ વી. આર. પ્રજાપતિને જાણ થઇ હતી કે, મૃતક તેમજ ઇજાગ્રસ્તો સગીરવયના છે. જેના પગલે તેમણે મામલામાં સરકારી વકીલનો અભિપ્રાય મેળવ્યો હતો.
જેમાં કંપનીમાં ગેરકાયદે રીતે સગીર બાળકોને જોખમી વ્યવસાયની ઉત્પાદન પ્રક્રિયામાં કામે લગાડ્યાં હોવાનું ફલીત થતાં સમગ્ર મામલો સદોષ માનવવધનો થતો હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પીએસઆઇ વી. આર. પ્રજાપતિએ કંપનીના ચાર ડિરેક્ટર કમલેશ ચતુર પટેલ, ચંદ્રકાંત બાબુ પટેલ, સચિન નવિનચંદ્ર પટેલ તેમજ અંકિત રાજેશ પટેલ ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટરો જગતસિંહ મદનસિંહ કારકી તથા મયુરસિંહ રાયસિંહ રાજ વિરૂદ્ધ આઇપીસીની કલમ 304(અ), 336,337,338,114 તેમજ બાળમજુર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ 14(1)(1અ) તથા કારખાના અધિનિયમ 92 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.