તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સરકારી શાળા 10 બેડનું આઇશોલેશન સેન્ટર તૈયાર કરાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • આ આઇશોલેશન સેન્ટરમાં હાલમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દી સારવાર લઈ શકશે

સમગ્ર ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સરકારી શાળા 10 બેડનું આઇશોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેની રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ બેકાબુ રીતે આગળ વધી રહ્યું છે જેની સામે ગામડાઓ આગળ આવી રહ્યા છે અને ગ્રામજનોને ગામમાં જ સારવાર મળે એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચના છેવાડાના ઇલાવ ગામે આઇશોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ઇલાવના મુખ્ય બજારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં 10 બેડનું આઇશોલેશન સેન્ટર તૈયાર કરાયું છે. જે દર્દીને કોરોનાના પ્રાથમિક લક્ષણો હોય અને ઘરમાં આઇશોલેટ થવાની સુવિધા ન હોય એવા દર્દીઓને અહીં રાખવામાં આવશે અને ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેઓની સારવાર કરશે. આ આઇશોલેશન સેન્ટરમાં હાલમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દી સારવાર લઈ શકશે.અહીં સારવાર લેનાર દર્દીને ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી જમવાનું પણ આપવામાં આવશે.

ઇલાવ ગામે નિર્માણ પામેલ આઇશોલેશન સેન્ટરની રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઇલાવ ગામ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલ પગલાની સરાહના કરી હતી અને અન્ય ગામો પણ ઇલાવ ગામ જેવો અભિગમ કેળવે એવી અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળની શરૂઆતથી જ ઇલાવ ગામ અગ્રેસર રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં ઇલાવ ગામે રાજ્યમાં સૌ પ્રથમવાર ખાનગી ચેકપોસ્ટ બનાવી હતી અને ચેપોસ્ટ પર ચેકીંગ કર્યા બાદ જ બહારના લોકોને ગામમાં પ્રવેશ અપાતો હતો તો હાલમાં ગામમાં સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખ્યા બાદ સ્વૈચ્છિક બંધ આપવામાં આવ્યું છે. તો સાથે સમગ્ર ગામમાં સેનેટાઇઝરનો છટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...