ભરૂચ જિલ્લામાં ફિટનેસ, ટેક્સ અને વીમા વિના આડેધડ વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈને શાળાએ અવર-જવર કરતી નામાંકિત શાળાઓની 100 બસોના ફિટનેસ મુદ્દે ભરૂચ આરટીઓ કચેરી દ્વારા માર્ચ મહિનામાં જ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં બાળકોની સુરક્ષા પ્રત્યે બેદરકાર બનેલા શાળા સંચાલકોએ બેફામ સ્કૂલ બસો દોડાવ્યે જ રાખી હતી.
આરટીઓ કચેરીની નોટિસની અવગણના કરતા શાળા સંચાલકો સામે ભરૂચ જિલ્લા કલેકટર ડો.તુષાર સુમેરાની સૂચનાથી કડક કાર્યવાહી કરી હાલમાં ચાર જેટલી સ્કૂલની 20 બસો ડિટેઇન કરી તેમના રોડ ટેક્સ, ફિટનેસ અને વીમો નહિં હોવાથી 6.14 લાખનો દંડ ફટકારતા શાળા સંચાલકો દોડતા થયા હતા. એક તબક્કે શાળા સંચાલકોએ પોતાનો બચાવ કરવા વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો નહીં ફાળવાતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું કારણ આગળ ધર્યું હતું જે તદ્દન ખોટું સાબિત થયું છે.
માર્ચ મહિનામાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક બોલાવી હતી ત્યારે સૂચના આપી કાર્યવાહી માટે આરટીઓ કચેરીએ આખો પ્લાન બનાવી ભરૂચ જિલ્લાની દરેક શાળાની સ્કૂલ બસના ડેટા તૈયાર કરી તેમાં ટેક્સ વગર, ફીટનેસ સર્ટીની અવધિ પૂરી થઈ હોય અને વીમોના હોય તેવી તમામ સ્કૂલ બસોને નોટિસો માર્ચ મહિનાની 21મી તારીખે જ આપી હતી.
શું છે નિયમ?
મોટર વ્હીકલ એકટ 1988ની કલમ 56માં ટ્રાન્સપોર્ટ વાહનના ફીટનેશ કરાવવાની જોગવાઇ છે. જે અનુસાર ટ્રાન્સપોર્ટ વાહનને રજિસ્ટ્રેશન ( નવી નોંધણી ) થવાના સમયે પ્રથમ બે વર્ષ માટે અને ત્યાર બાદ એક વર્ષ માટે ફીટનેશ આપવામાં આવે છે. ફીટનેશ વિના વાહન ચલાવવા અંગે પ્રથમ ગુના માટે રૂ. 5,૦૦૦ અને બીજા ગુના માટે રૂ. 1૦,૦૦૦ની દંડનીય જોગવાઇ થયેલ છે. ફીટનેશ વગર વપરાશ કરતા હોવાનું જાણમાં આવશે તો વાહન કલમ 207 હેઠળ ડીટેઇન થઈ શકે છે.
100 વાહનોના નંબર સાથે 1 માસ પૂર્વે નોટિસ આપી હતી
સ્કૂલ બસોમાં ટેક્સ અને ફિટનેસ પૂરા થઈ ગયા હોય તેવી 100 જેટલી બસોના નંબર સાથે શાળાના સંચાલકોને નોટીસ એક મહિના પહેલા આપવામાં આવી હતી તેમ છતાં ભરૂચની શાળાના સંચાલકોએ નહીં ભરી બાળકો માટે જોખમી રીતે સ્કૂલ બસો ચાલુ જ રાખી હતી. જ્યારે નોટીસ આપી ત્યારે PMનો કોઈ કાર્યક્રમ નહોતો.
એક મહિના પહેલા ભરૂચ કલેકટરે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં સુરક્ષા બાબતે સૂચના આપી હતી.રોડ ટેક્સ,ફિટનેસ અને વીમા બાબતની શાળા સંચાલકોએ બાળકોની સુરક્ષાની બેદરકારી રાખી હતી.છે. આ કામગીરી સંપૂર્ણ પણે જિલ્લામાં કરવામાં આવશે.> એમ એસ પંચાલ, (ઇન) એ.આર.ટી.ઓ., ભરૂચ.
શાળાએ હોલ ટિકિટ અટકાવી
અંકલેશ્વર નજીક આવેલી એક નામાંકિત શાળાએ ધોરણ 10ના વિદ્યાર્થીની બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ અટકાવી રાખી હતી. FRC મુજબ ફી ભરી હોવા છતાં હોલ ટિકિટ નહીં આપતાં આખરે વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફોન કરી રજૂઆત કરતા હોલ ટિકિટ મળી હતી. જોકે, FRC મુબજ ફીર ભરવા સૂચના અપાઈ હતી.
લેટ ફીના નામે ઉઘરાણી
ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીના નામે 500 રૂપિયાનું ઉઘરાણું કરી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓને સુવિધા પુરૂ પાડવા કે બસોની ફિટનેશ જાળવવામાં પોતે જ લેટ લતિફ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફીમાં ચીવટ દાખવતા સંચાલકો સુરક્ષા મામલે બેદરકાર જણાયા છે.
સંચાલકો જવાબદારીથી ભાગ્યા
એક નામાંકિત સ્કૂલ જેમાં જૂનિયર-કેજીના છાત્રોની વાર્ષિક ફી રૂપિયા 80 હજાર વસુલતી સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, શાળા સંચાલકો ટ્રાન્સ્પોર્ટેશનની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તેઓ કહે છે, બાળકને રસ્તામાં કંઈપણ થાય તો જવાબદારી વાલીની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.