સંગ્રામ પંચાયત:ભરૂચ જિલ્લાના 7.24 લાખ મતદારો આજે 8163 ઉમેદવારોનું ભાવિ ઘડશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં ડિસ્પેચ સેન્ટર પરથી કર્મીઓને ચૂંટણીલક્ષી સામગ્રી અપાતા મતદાન મથકો ઉપર જવા રવાના થયા હતા. - Divya Bhaskar
ભરૂચમાં ડિસ્પેચ સેન્ટર પરથી કર્મીઓને ચૂંટણીલક્ષી સામગ્રી અપાતા મતદાન મથકો ઉપર જવા રવાના થયા હતા.
  • જિલ્લાના 878 મતદાન મથકો પર કામગીરીમાં 5318 કર્મી તહેનાત, મતદાનની સામગ્રી લઈ કર્મીઓ રવાના
  • ભરૂચની 413 ગ્રામ પંચાયતોના સરપંચના 1176, સભ્યના 6987 ઉમેદવારોનું ભાવી પેટીમાં સીલ થશે

ભરૂચ જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ છે. ત્યારે સવારથી જ મતદાન કેન્દ્રો ખાતે મતદારોની કતારો લાગી જશે. જિલ્લાના વિવિધ ડિસ્પેચીંગ સેન્ટર પરથી શનિવારે પ્રિસાઇડિંગ, આસી. પ્રિસાઇડિંગ, પોલીંગ ઓફિસર સહિતના મળી કુલ 5318 કર્મીઓની ટુકડીઓએ જે તે મતદાન મથકે માટે રવાના કરવામાં આવ્યં હતાં. રવિવારે જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં કુલ 878 મતદાન મથકો પર મતદાન થશે. જેમાં સરપંચના પદ માટે હરિફાઇમાં ઉતરેલાં 1176 તેમજ સભ્યના 6987 ઉમેદવારો મળી કુલ 8163 ઉમેદવારો પર 7.24 લાખ મતદારો પસંદગી ઉતારશે.

ભરૂચ જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીના મહાસંગ્રામનો દિવસ છે. ત્યારે જિલ્લાની 483 ગ્રામ પંચાયતો પૈકી 62 ગ્રામ પંચાયતો સમરસ થવા સાથે 17 સપરંચ અંશત: બિનહરીફ થયાં છે. ઉપરાંત 738 સભ્યો અશંત: બિનહરીફ રહ્યાં છે. જ્યારે 1 બેઠક પર ફોર્મ ન ભરાતાં ખાલી રહ્યું છે. ત્યારે હાલમાં 413 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 1176 ઉમેદવારો તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના કુલ 2803 વોર્ડ માટે 6987 ઉમેદવારો મેદાવનમાં ઉતર્યાં છે.

જેમને કુલ 3,76,130 પુરૂષ અને 3,48,864 સ્ત્રી તેમજ 15 અન્ય મતદારો મળી કુલ 7.24 લાખ મતદારો પોતાની પસંદગીની મહોર લગાવશે. તમામ 9 તાલુકાઓનાના કુલ 878 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયાને અંજામ આપવા માટે કુલ 957 પ્રિસાઇડિંગ, 957 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસ, 1081 પોલીંગ ઓફિસર-1, 1370 પોલીંગ ઓફિસર-2 તેમજ 953 પટાવાળા સહિત 5318 કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.

વર્ષ 2016ની ચૂંટણીમાં 81 ટકા મતદાન થયું હતું
ભરૂચ જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરપંચ અને સભ્યોના ઉમેદવારોની પસંદગી માટે મતદારોએ સારો ઉત્સાહ દાખવ્યો હતો. 9 તાલુકાઓમાં સરપંચ માટે 81.81 ટકા જ્યારે વોર્ડ સભ્યો માટે 81.70 ટકા મતદાન થયું હતું. આ વર્ષે કોરોનાની માર અને મોંઘવારીના પ્રશ્નને લઇને મતદાન માટે મતદારોનો મિજાજ જોવો રહ્યો.

સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ બંદોબસ્ત
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 878 મતદાન મથકો પૈકી 186 અતિસંવેદનશીલ અને 268 સંવેદનશીલ જ્યારે પેટા ચૂંટણીમાં 11 મતદાન મથકો પૈકી 8 અતિસંવેદનશીલ અને 2 સંવેદનશીલ મથકો છે. આવા મતદાન મથકો પર શાંતિમયરીતે મતદાન થાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.

દરેક સ્થળે કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે
કોરોના મહામારીમાંથી ભરૂચ જિલ્લો માંડ બહાર નિકળ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન મથકોએ લોકોના ટોળા જામશે. જેને લઇને વહિવટીતંત્રએ આગોતરી તૈયારી કરી દરેક મતદાન મથકોએ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...