ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ:ભરૂચ જિલ્લાનું 68 ટકા પરિણામ, માત્ર 7 વિદ્યાર્થીઓ જ A-1 ગ્રેડ મેળવી શક્યા

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે વર્ષથી કેન્સલ થતી પરીક્ષાની અસર ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ પર પણ જોવા મળી

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.

છેલ્લ બે વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવતી હતી જેની અસર આ વખતે બોર્ડના પરિણામો પર પણ જોવા મળી છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હોય તેમ આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામો પરથી લાગ્યું હતું. ભરૂચ જીલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 68.12 ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં ચોંકાવનારી વાત એ હતી કે A-1 ગ્રેડમાં જીલ્લામાં માત્ર 7 વિદ્યાર્થીઓ આવ્યા હતા.

જીલ્લાના ગ્રેડ વાર પરિણામ ઉપર નજર કરીએ તો A-1માં 7, A-2માં 54, B-1માં 204, B-2માં 322, C-1માં 499, C-2માં 590 જયારે ડી ગ્રેડમાં 147 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જીલ્લામાં કુલ 2688 વિદ્યાર્થીઓ નોંધાયા હતા આજે પૈકી 2676 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1823 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આજરોજ સવારે 10 કલાકે ઓનલાઈન પરિણામ જાહેર થયા હતા. અને હવે બાદમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

આખો દિવસ સ્ટડી સાથે થોડો સમય ફેમિલી સાથે પણ કાઢવો જોઈએ
આજના 12 સાયન્સ ઈંગ્લીશ મીડીયમના પરિણામમાં મારા 99.97 પર્સન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. જેથી હું ઘણી જ ખુશ છું મેં રોજના 10થી12 કલાક કરેલી મહેનત અને મારા શિક્ષકો,માતા પિતા અને સ્કૂલના પ્રિન્સિપાલના કારણે આ પરીણામ મેળવ્યું છે. પરંતુ હું ભણતર સાથે દીમાગને હળવું કરવા સાયકલિંગ અને ફેમીલી સાથે ટાઈમ કાઢીને વાતો પણ કરતી હતી. હવે આગળ નિટની પરીક્ષા આપીને MBBS ડૉકટર બનવાની ઈચ્છા છે. - ઐશ્વર્યા શાહ, ભરૂચ.

મારી ઈચ્છા ભવિષ્યમાં MBBS ડોક્ટર બનવાની છે
હું ધોરણ 12માં આવ્યા બાદ વારંવાર રિવિઝન કરીને રોજના 7 થી 8 કલાક મહેનત કરતી હતી.વાંચી અને લખીને કંટાળી જાવ એટલે સાયકલિંગ કરીને મનને હળવું કરી લેતી હતી.સ્કૂલના શિક્ષકો અને માતા-પિતા અને મારા મોટા ભાઈનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે.ઈંગ્લીશ મીડીયમમાં 99.88 પર્સન્ટાઈલ સાથે A-1 ગ્રેડ મેળવી શકી છું. હવે આગળ મારે નિટની પરીક્ષા આપીને MBBS કરવાની ઈચ્છા છે. - શ્રદ્ધા લાદ્ધા, ભરૂચ.

પૂરા દિલથી મહેનત કરીએ તો સારું પરિણામ મેળવી શકાય છે
આજે અમારું 12 સાયન્સનું પરિણામ જાહેર થતા ગુજરાતી મીડીયમમાં મારા 99.86 પર્સન્ટાઈલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે.મારી સફળતા મારી સ્કૂલના શિક્ષકો મારા માતા-પિતાનો ખુબ જ સપોર્ટ રહ્યો છે.જેના કારણે હું આ પરીણામ મેળવી શકી છું.હું રોજના 7થી 8 કલાક વાંચન કરતી હતી.હવે હું આગળ આઇટી લાઈનમાં મારુ કેરિયર બનાવા માંગુ છું. - આષ્ઠા ભાવસાર, ભરૂચ.

કમ્પ્યૂટર સાયન્સ કે આઇટી ક્ષેત્રમાં અભ્યાસ કરવો છે
શાળા અને ટ્યુશનના શિક્ષકો દ્વારા અભ્યાસક્રમને સરળતાથી સમજવવામાં આવ્યો હતો. જેથી ક્યારેય તણાવ જેવો અનુભવ થયો ન હતો. નિયમિત અભ્યાસ, રિવિઝનથી સારા માર્કસ મેળવી શકી છું. હવે મારે કોમ્પ્યુટર સાયન્સ અથવા આઇટી ક્ષેત્રમાં મારે આગળ અભ્યાસ કરવો છે. - જાનવી વિજયભાઇ સોલંકી, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...