વેક્સિનેશન:ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 55 હજારનું વેક્સિનેશન, અત્યાર સુધી 89% ને પ્રથમ ડોઝ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં યોજાયેલા વેક્સિનેશન અભિયાનમાં આરોગ્ય કર્મીઓ રાત્રે 12 વાગ્યા સુધી કામગીરીમાં જોડાયા હતા. - Divya Bhaskar
જિલ્લામાં યોજાયેલા વેક્સિનેશન અભિયાનમાં આરોગ્ય કર્મીઓ રાત્રે 12 વાગ્યા સુધી કામગીરીમાં જોડાયા હતા.
  • પીએમ મોદીની વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ 18 કલાકનું વેક્સિનેશન અભિયાન
  • જિલ્લામાં સેકન્ડ ડોઝ માટે નોંધાયેલાં 4.40 લાખ લોકો પૈકીના 90 ટકાએ વેક્સિન લીધી

ભરૂચ જિલ્લાની કુલ 12.15 લાખની વસ્તી પૈકી 89.17 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. ગઇકાલે પીએમ મોદીની વર્ષગાંઠ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરી જિલ્લામાં 265 સેન્ટરો પર 18 કલાક સુધી વેક્સિનેશનની કામગીરી કરી હતી. જેમાં એક જ દિવસમાં 55 હજાર લોકોએ લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પહેલાં જિલ્લાવાસીઓની વેક્સિનેશનની પ્રક્રિયા પુર્ણ કરવા માટે આરોગ્ય વિભાગે કમરકસી છે. જેના પગલે અત્યાર સુધીમાં જિલ્લાના 12.15 લાખ લોકોની વસ્તી પૈકીના 10.83 લાખ એટલે કે 89.17 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે સેકન્ડ ડોઝ માટે નોંધાયેલાં 4.40 લાખ લોકો પૈકીના 3.98 લાખ એટલે કે 90.43 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71મીં વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનનું મહાઅભિયાન હાથ ધર્યું હતું. જેના ભાગરૂપે જિલ્લાના 9 તાલુકાઓમાં 265 સેન્ટરો પર કુલ 1 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રખાયો હતો. સવારના 6 વાગ્યેથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 55 હજાર ઉપરાંત લોકોને વેક્સીન આપવામાં આવ હતી. જેમાં 19 હજારથી વધુ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 36 હજાર જેટલાં લોકોએ સેકન્ડ ડોઝ લીધો હતો.

666 પૈકી 237 ગામોમાં 100 ટકા વેક્સિનેશન
ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 666 ગામો આવેલાં છે. તમામ ગામોમાં હાલ વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગામોમાં વેક્સિનેશન માટે જાગૃતી લાવવાના સતત પ્રયાસો પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં હતાં. જેના પગલે જિલ્લાના 237 જેટલા ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરાવવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી છે.

વેક્સિનેશન માટે બાકી રહેલા 10 ટકા લોકોમાં જાગૃતી માટેના પ્રયાસો કરાશે
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એેક તરફ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વેક્સિનેશન માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે અત્યાર સુધીમાં 89 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. હજી કેટલાંક લોકો વેક્સિન લેવા માટે તૈયાર થતાં ન હોઇ તેમને સમજાવવા અને તેમને જાગૃત કરવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવશે. તેના માટે તમામ તાલુકા મથકો અને ગામડાઓમાં પણ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે. લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...