મન્ડે પોઝિટિવ:40 કિમીના મુખ્યમાર્ગો પરથી 7 દિવસમાં 50 ટ્રેકટર ભરીને ધૂળ સાફ કરવામાં આવી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચને સ્વચ્છતામાં દેશમાં ટોપ-5માં લાવવાની નેમ સાથે શરૂ થયેલાં પ્રોજેકટને સફળતા
  • માય લિવેબલ ભરૂચના વિશેષ અભિયાન હેઠળ રસ્તાઓની દિવસમાં 3 વખત સફાઇ

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ તરીકે ઓળખાતું ભરૂચ શહેર હવે ધીમે ધીમે માય લીવેબલ ભરૂચ બની રહયું છે. ભરૂચ શહેરને સ્વચ્છતાની બાબતમાં દેશના ટોપ - 5 શહેરોમાં લાવવાની નેમ સાથે શરૂ કરાયેલી સફાઇ ઝુંબેશના સારા પરિણામો શહેરીજનો જોઇ રહયાં છે. માય લીવેબલ ભરૂચ હેઠળ એક સપ્તાહ પહેલાં મુખ્ય માર્ગોની સફાઇ માટેનો પ્રોજેકટ લોંચ કરવામાં આવ્યો હતો.

લખનૌની ખાનગી કંપનીને મહિને આશરે 35 લાખ રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ઝાડેશ્વર ચોકડીથી બંબાખાના, નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સહિત ચાર રૂટ પર 40 કિલોમીટરના મુખ્યમાર્ગોની દિવસમાં 3 વખત સફાઇ કરવામાં આવી રહી છે. 120 સફાઇ કર્મચારીઓ મુખ્યમાર્ગોની સફાઇ કરી રહયાં છે. નગરપાલિકાની હદ બહાર આવતી ગ્રામ પંચાયતોમાં પણ રસ્તાઓની સફાઇ થઇ શકે તે માટે આખી કામગીરી કલેકટરના નિરિક્ષણમાં કરાઇ રહી છે. 7 દિવસમાં 40 કિલોમીટરના માર્ગો પરથી 50 ટ્રેકટર ભરીને ધુળ કાઢવામાં આવી છે.

આગામી દિવસોમાં દંડ લેવાનું ચાલુ કરાશે
ભરૂચમાં નિયત કરાયેલાં 40 કિલોમીટરના મુખ્યમાર્ગો પર સફાઇ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યાં છે. આ માર્ગો પર થુંકનારાઓ પાસેથી 250 રૂપિયા તથા કચરો નાખનારાઓ પાસેથી 500 રુપિયાનો દંડ લેવાની જોગવાઇ છે. હવેથી દંડ લેવાની પણ શરૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્ય માર્ગો પર 200 મીટરના અંતરે એક વ્યકતિને ઉભો રાખવામાં આવશે જે દરેક ગતિવિધિ ઉપર નજર રાખશે અને દંડની વસુલાત કરશે. અત્યારે કોઇ પણ પ્રકારનો દડ લેવામાં આવતો નથી.

લોકોની આળસના કારણે હજી ગંદકીની ભરમાર
શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે તેવામાં લોકો કચરાના નિકાલ માટે આળસ દાખવી રહયાં છે. પોતાના ઘરોમાંથી નીકળતો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ટેમ્પામાં આપવાના બદલે લોકો કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને તેને રોડની સાઇડ પર નાંખી રહયાં છે તેથી રસ્તાઓની આસપાસ હજી ગંદકી જોવા મળી રહી છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ હાલ પ્લાસ્ટિકનો કચરો વધારે જોવા મળી રહયો છે અને અનેક વિસ્તારોને લોકોએ અઘોષિત ડમ્પિંગ સાઇટ જેવા બનાવી દીધાં છે ત્યારે લોકોએ પણ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવો પડશે.

પ્રોજેકટથી ફાયદો શું થશે ?
ભરૂચ શહેરના તમામ મુખ્યમાર્ગોની નિયમિત સફાઇ થશે. આ ઉપરાંત નગરપાલિકાના સફાઇ કામદારોની કામગીરી ઓછી થતાં તેમને સોસાયટીઓ તથા શેરીઓમાં સફાઇ માટે મોકલી શકાશે જેના કારણે આંતરિક વિસ્તારોમાં સફાઇ કામગીરીને વેગ મળશે અને શહેરીજનોની ફરિયાદો ઓછી થશે.

કલેકટરના નિરીક્ષણ હેઠળ કામગીરી
ભરૂચ શહેરને રહેવા માટે ઉત્તમ શહેર બનાવવાની દિશામાં પ્રયાસો ચાલી રહયાં છે જેના ભાગરૂપે સફાઇ માટે અલાયદી કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના 40 કિમિના માર્ગો પર કરાતી સફાઇ કામગીરીનું સીધું નિરિક્ષણ કલેકટર કરી રહયાં છે. જેના કારણે પણ સફાઇની કામગીરી ઉડીને આંખે વળગે તેવી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...