લુપ્ત થતી પ્રણાલી જીવંત થઈ:ભરૂચના ઝાડેશ્વરમાં વહીવંચા બારોટનો 410 પાનાનો ચોપડો ખુલ્યો, ગામની 750 વર્ષ જૂની વંશાવલી ફરી જીવંત થઇ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિક્રમ સંવત 13થી અત્યારસુધીની 250 ઘરોના લેઉઆ પાટીદાર લોકોની વંશાવલી ચોપડામાં કેદ
  • લોકોના કુળ, ગોત્ર, મૂળ, પરવ સહિતની તમામ માહિતી બારોટ પાસે અકબંધ
  • વૈદિકકાળથી ચાલી આવતી પેઢી દર પેઢી વંશાવલીની પરંપરા આધુનિક યુગમાં લુપ્તતાના આરે

ભરૂચના ઝાડેશ્વર ગામના 250 પરિવારનો 750 વર્ષ જૂનો ઇતિહાસ, પરંપરા, રીતિ રિવાજ, કુળ, ગોત્ર અને વંશાવલીનો ચોપડો 47 વર્ષ બાદ ફરી ગામમાં અમદાવાદના કનુભાઈ પરસોતમભાઈ બારોટ આવી પહોંચતા ખુલ્યો હતો.

અખિલ વિશ્વ વંશાવલી વહીવંચા બારોટના ઝાડેશ્વર ગામના 410 પાનાના ચોપડા મુજબ ભરૂચનું ઝાડેશ્વર ગામ વિક્રમ સવંત 13મી સદીમાં વસ્યું હતું. જેમાં 11 ફળિયાના 250 પરિવારોની 750 વર્ષની વંશાવલી લખાયેલી છે. હાલ ડિજિટલ યુગમાં વંશજોની માહિતી એકત્ર રાખવાની વંશાવલીની પ્રણાલી લુપ્તતાના આરે છે. ત્યારે નવી પેઢીને ખબર પડે તે માટે ગામમાં 47 વર્ષ બાદ ઝાડેશ્વરની વંશાવલી સાથે કનુભાઈ બારોટને આમંત્રણ આપતા તેમનું આગમન થયું હતું.

વૈદિક કાળથી વંશાવલી ચાલી આવે છે, જેમાં ઝાડેશ્વર ગામની વંશાવલી મુજબ ગામમાં વસેલા 750 લેઉઆ પાટીદાર સમાજના પરિવારોને અટક દેસાઈ અને અમીન તરીકેનું બિરૂદ મળેલું. દેસાઈપણું તેમને દિલ્હીના બાદશાહ તરફથી અપાયેલું. ગ્રામજનોએ નવાબ પાસેથી ઇજારો મેળવી સોના મહોરો આપી જમીનો મેળવી હતી. ગામની હદ વંશાવલી મુજબ પશ્ચિમે દશાશ્વમેઘ ઘાટ, દક્ષિણે અંકલેશ્વર સુરવાડી, ઉત્તરે તવરા ગામ અને પૂર્વે હાઇવેના વડદલા ગામ સુધી હતી. નોંધનીય છે કે આ વંશાવલીમાં હાલ ગામના દરેક લોકો તેમની પેઢી લખાવશે.

ઉલ્લેખનીય છે કે, વંશાવલીમાં ઝાડેશ્વર ગામના સાત સદીના રીતિરિવાજો, પ્રથા, ધર્મનું અનુસરણ, કુળ, ગોત્ર, મૂળ, પરવ, પૂર્વજો, સંસ્કાર, ભૌગોલિક આર્થિક ચિત્ર, આસ્થા સહિતની માહિતી અકબંધ છે. અખિલ વિશ્વ વંશાવલી સંગઠન અને સંવર્ધન સમિતિને હંગેરી, જાપાન, જર્મની સહિતના દેશોમાંથી ત્યાંની પ્રજાના નિમંત્રણના કાગળો પણ આવ્યા છે. જેમાં બારોટોને તેઓ પોતાના દેશમાં લઈ જવા તૈયાર છે. જે થકી તેમના લુપ્ત થયેલા સંસ્કાર તેઓ પાછા લાવી શકે.

અન્ય સમાચારો પણ છે...