આબાલ, વૃદ્ધો સૌકોઈને પ્રિય એવા પતંગોત્સવનો ભરૂચનો ઇતિહાસ પણ રસપ્રદ અને રોચક છે. 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી ભરૂચની પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી ડચકા ખાઈ રહી છે.
પતંગ બનાવવાનો વ્યવસાય 200 વર્ષ જૂનો
ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે. બજારમાં પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. ત્યારે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટીબજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે 200 વર્ષ જૂનો છે.
નવી પેઢીને આ વ્યવસાયમાં ઝાઝો રસ રહ્યો નથી
સોંઘવારીના એ જમાનામાં તમામ ચીજવસ્તુઓ આના અને પૈસામાં મળતી તેમજ હાથ બનાવટની જ બનતી. શેખ પરિવારના વડવાઓ 4 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે, જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી ઝાઝો રસ રહ્યો નથી.
પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો
આજે મોંઘવારીના જમાનામાં પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે 19મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.