ચોરી:તવરામાં 15 જ દિવસમાં 40 ટ્રેક્ટરની બેટરીઓની ચોરી

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરો બાદ બેટરીઓ ચોરાતાં જગતનો તાત મુશ્કેલીમાં
  • અસામાજિક તત્વો હેરાનગતિ કરતાં હોવાની પોલીસમાં રજૂઆત

ભરૂચ તાલુકાના તવરા ગામના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહયું છે. ખેતરોમાંથી વીજવાયરો બાદ હવે ઘર આંગણે પાર્ક કરેલાં ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી થઇ રહી છે. છેલ્લા 15 દિવસમાં 40 કરતાં વધારે ટ્રેકટરોની બેટરી ચોરાઇ જતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાય ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પેટ્રોલિંગ વધારવામાં આવતું નહિ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.

તવરા ગામે ખેતરોમાં લગાવેલ પાણી માટેની મોટરોની અને વીજ વાયરોની ચોરીઓ બાદ હવે તો ગામના ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની ચોરીઓ થઇ રહી છે.તવરા ગામે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોજાનો ઉપદ્રવ વધી રહ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરોમાં ઝટકા મશીન તથા વિવિધ અવાજો કરતાં મશીનો મુકી રહયાં છે. આ મશીનો લગાડવા માટે ઉપયોગમાં લેવાતાં વાયરો તથા પાણીના કુવાઓ પર લગાવેલાં વાયરો ચોરી જતી ટોળકી સક્રિય બની હતી.

અનેક ખેડૂતોના ખેતરોમાંથી વાયરોની ચોરી તસ્કરો કરી ગયાં છે. વીજવાયરો બાદ હવે બેટરીચોર ટોળકી આતંક મચાવી રહી છે. તવરા ગામના વિવિધ વિસ્તારોમાં પાર્ક કરેલાં ટ્રેકટરોમાંથી બેટરીઓ ચોરી કરવામાં આવી રહી છે. છેલ્લા 15 દિવસમાં 40 કરતાં વધારે ટ્રેકટરોની બેટરીઓની ચોરી થઇ જતાં ખેડૂતોમાં ભય જોવા મળી રહયો છે. ઘણા સમય પહેલા આ બાબતની રજૂઆતો ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ખેડૂતોએ જાણ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...