વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસ મજબૂત થવાના સ્થાને રોજે રોજ તૂટી રહી છે. ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં ભાજપે મોટું ગાબડું પાડી કોંગ્રેસને હચમચાવી મૂકી છે. જોલવાના 40 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હાથે કેસરિયો ધારણ કરી કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસ હતભ્રત બની છે.
કોંગ્રેસના દિગગજ નેતા અહેમદભાઈ પટેલના મૃત્યુ પછી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો જાણે કોઈ રખેવાળ જ નથી. કોંગ્રેસને જાતિ અને જ્ઞાતિવાદની ઉધઈ લાગતા અંદરથી ખવાઈ રહી છે. સત્તા અને હોદ્દા મેળવવાની લાલસામાં આગેવાનો એક બીજાના વિરોધી બન્યા છે. આગેવાનો ટાંટિયા ખેંચની રમતમાં મશગુલ બન્યા છે. તેવામાં ઘણા આગેવાનો અને કાર્યકરોમાં નિરાશા ઉભી થઇ છે.ત્યારે કાર્યકર્તાઓને ભાજપ સલામત લાગતા કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ મહિનાથી કોંગ્રેસના કકળાટથી કંટાળેલા આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાં જ મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસની ટાંટિયા ખેંચની રમતથી નારાજ અને ધારાસભ્ય અરુણસિંહ રણાના કામોથી પ્રભાવિત 40 આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપની વિચારધારાને અપનાવી છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરિયો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે જોલવા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલનું ગામ છે. સુલેમાન પટેલે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપના મજબૂત આગેવાન અરુણસિંહ રણા સામે તેમની હાર થઈ હતી. આ વખતે પણ તેમને ચૂંટણી જંગ માટે એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી છે. પરંતુ તેમને બાર સાંધતાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં હવે તેમના જ ગામમાં ભાજપે ગાબડું પાડતા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની હાલત વધુ નાજુક બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.