ભરૂચ નગરપાલિકાએ વેરો નહિ ભરનારા 4 હજાર બાકીદારોને આખરી નોટિસ આપ્યાં બાદ નળ જોડાણો કાપવાની અને મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરતાંની સાથે બાકીદારોમાં દોડધામ મચી છે. છેલ્લા એક મહિનાથી પાલિકાને વેરા પેટે સરેરાશ રોજની 4 લાખ રૂપિયા ઉપરાંતની આવક થઇ રહી છે.
ભરૂચ નગરપાલિકાએ ચાલુ વર્ષના માગણાના 14.89 કરોડની વસુલાત માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનાથી પાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં ફરી બાકીદારોની મિલકતો સીલ કરી રહી છે તથા નળજોડાણો કાપી રહી છે. નગરપાલિકાને ચાલુ માગણામાં 77 ટકા જેટલી વસુલાત કરી લીધી છે. શહેરના 67 હજાર જેટલા મિલકતધારકોમાંથી 4 હજાર જેટલા મિલકતધારકો વેરો ભરતાં નહિ હોવાથી તેમને આખરી નોટિસ આપવામાં આવી હતી. પાલિકાએ 25 મિલકતો સીલ કરવાની સાથે 70 નળ જોડાણો કાપી નાખતા પાલિકાની આવકમાં વધારો થયો છે.
હાલમાં પાલિકાને વેરા પેટે રોજની સરેરાશ 4 લાખ રૂપિયાની આવક થઇ રહી છે. એક મહિનામાં પાલિકાની તિજોરીમાં વેરા પેટે 1.20 કરોડ રૂપિયાની માતબર રકમ જમા થઇ છે. ભરૂચ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ચાલુ અને પાછલા બાકી મળી કુલ 21 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક નકકી કરાયો હતો. નાણાકીય વર્ષના અંતને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કડક રીતે વેરાની વસુલાત થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.