સૌથી રસપ્રદ ચૂંટણીસંગ્રામ:ઝઘડિયા બેઠક પર બાહુબલી પિતા-પુત્ર સામે 25-25 કેસ, પંચકોણીય જંગના એકેય ઉમેદવારે કોલેજ જોઈ નથી

ભરૂચ3 મહિનો પહેલા

ભરૂચ જિલ્લાની વિધાનસભાની આદિવાસી ઝઘડિયા બેઠક પર ગુજરાત જ નહીં, કેન્દ્ર પણ નજર જમાવીને આ વખતે બેઠું છે. વર્ષ 1962થી ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણીથી અત્યારસુધી ભાજપ આ બેઠક જીતી શકી નથી. આ વખતે છોટુ વસાવા અને મહેશ વસાવા (પિતા-પુત્ર) વચ્ચે સીધો પારિવારિક ચૂંટણીજંગ હોવાથી ભાજપ બેઠક તેની ઝોળીમાં આવવાની આશ લગાવી બેઠો છે. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે મને કોઈ પાર્ટીની જરૂર નથી, હું જ્યાં ઊભો રહું ત્યાં પાર્ટી બની જાય છે, જ્યારે પુત્ર મહેશ વસાવાએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહત્ત્વનું છે કે આ પિતા-પુત્ર પર 25-25 કેસ છે. જ્યારે આ બંને સહિત ઝઘડિયા બેઠકના પંચકોણીય જંગના એકેય ઉમેદવારે કોલેજ સુધીનો અભ્યાસ નથી કર્યો.

છોટુ વસાવા આ વખતે અપક્ષથી ચૂંટણી લડશે.
છોટુ વસાવા આ વખતે અપક્ષથી ચૂંટણી લડશે.

સાત ટર્મથી વિજેતા છોટુ વસાવા પુત્રના કારણે અપક્ષ ઉમેદવાર
ભરુચ જિલ્લાની પાંચેય બેઠકોમાં છોટુ વસાવા સૌથી વધુ ઉંમરના ઉમેદવાર છે. તેમની વય 77 વર્ષની છે. તેની સાથે જ તેઓ સતત સાત ટર્મથી ઝઘડિયા બેઠક પરથી જીતતા આવ્યા હોઈ, એકહથ્થું આ બેઠક પર તેમનું રાજ છે. ઓલ્ડ SSC ભણેલા છોટુભાઈ ખેતી અને રાજકારણમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ રિટર્ન ભરતા નથી. તેમની સામે ઝઘડિયા પોલીસ મથકે 16 અને વાલિયા પોલીસ મથકે 9 ફરિયાદ નોંધાયેલી છે. તેમની પાસે 10 તોલા સોનુ, બે ટ્રેકટર સહિત 57 એકર ખેતીની જમીન છે. સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ સંપત્તિ રૂપિયા 1.75 કરોડની મિલકત છે.

BTPના ઉમેદવાર મહેશ વસાવા.
BTPના ઉમેદવાર મહેશ વસાવા.

BTPના ઉમેદવાર મહેશ વસાવા સામે પણ પિતા જેટલા જ પોલીસ કેસ
BTPના મહેશ વસાવા 55 વર્ષના છે. તેઓ ધોરણ 12 નાપાસ છે. તેઓ ખેતી અને વ્યવસાય કરે છે. અંકલેશ્વર કોર્ટે 3 વર્ષની સાદી કેદની સજા કરેલી, જેમાં જામીન પર મુક્ત છે. જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 15, વાલિયામાં 8 અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2 કેસ નોંધાયેલા છે. તેમની અને તેમની પત્ની પાસે ફોર્ચ્યુનર, ઇનોવા કાર, 3 JCB સહિત રૂપિયા 2.15 લાખની સ્થાવર અને જંગમ મિલકતો છે, જ્યારે તેમની 89.42 લાખની બેંક લોન છે.

ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા ધોરણ 9 પાસ.
ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા ધોરણ 9 પાસ.

ભાજપના ઉમેદવાર ધોરણ 9 પાસ, બે કરોડની કુલ મિલકત
ભાજપના 46 વર્ષીય ઉમેદવાર રિતેશ વસાવા ધોરણ 9 પાસ છે. તેઓ પણ ઝઘડિયાના અન્ય ઉમેદવારોની જેમ ખેતી જ કરે છે. તેમની પાસે 37.24 લાખની કાર, 17 તોલા સોનું, ખેતી, રહેણાક મકાન મળી સ્થાવર તેમજ જંગમ 2.03 કરોડની મિલકતો છે, જ્યારે બેંકની 30 લાખની લોન ચાલે છે.

કોંગ્રેસના ફતેસિંહ વસાવા માત્ર પાંચ ધોરણ જ ભણેલા.
કોંગ્રેસના ફતેસિંહ વસાવા માત્ર પાંચ ધોરણ જ ભણેલા.

કોંગ્રેસના ફતેસિંહ વસાવા પાંચ ચોપડી ભણેલા, 3 વર્ષની સજામાં જામીનમુક્ત
કોંગ્રેસના 42 વર્ષીય યુવા ઉમેદવાર પણ યુવા બાહુબલી છે. ખેતીકામ કરતાં તેઓ ધોરણ 5 ભણેલા છે. મારામારીના ગુનામાં 3 વર્ષની સજાનો હુકમ થયો હતો, જેમાં જામીન મુક્ત છે. બેંકમાં તેમની પણ 35 લાખની લોન ચાલે છે. ખેતીની જમીન, મકાન મળી રૂપિયા 1.47 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ ધરાવે છે.

આમ આદમી પાર્ટીએ ઊર્મિલા ભગતને મેદાને ઉતાર્યાં.
આમ આદમી પાર્ટીએ ઊર્મિલા ભગતને મેદાને ઉતાર્યાં.

પાંચેય બેઠકો પર APPની એકમાત્ર મહિલા ઉમેદવાર
ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ, કોંગ્રેસ, BTPએ કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી. અપક્ષમાંથી પણ કોઈ મહિલા ઉમેદવાર ઊભી રહી નથી. એકમાત્ર આપે ઝઘડિયા પર 46 વર્ષીય ઊર્મિલા ભગતને ટિકિટ આપી છે. તેમના સોગદનામામાં અભ્યાસને લઈ વિરોધાભાસ જોવા મળે છે. એક જગ્યાએ તેમણે ધોરણ 12 પાસ લખ્યું છે તો બીજી જગ્યાએ બી.પી.ઇ.ડી. દર્શાવ્યું છે. તેમના પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક છે. પતિનું રિટર્ન 6.21 લાખ છે. સાત તોલા સોનું, મકાન મળી સ્થાવર તેમજ જંગમ મિલકત કુલ 80.75 લાખ છે. એની સામે ગોલ્ડ લોન 2.36 લાખ અને હોમ લોન 8.50 લાખની છે.

અન્ય સમાચારો પણ છે...