ભાસ્કર એક્સક્લૂઝિવ:જિલ્લામાં 4 દિવસથી ક્વોરી ઉદ્યોગ બંધ થતાં 2 હજાર કરોડની સિવિલ કન્સ્ટ્રક્શન સાઈટ ઠપ્પ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાની 40 ક્વોરીમાંથી રોજનું 60 હજાર મેટ્રિક ટન ઉત્પાદન બંધ, 1000 ટ્રકો થંભી જતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફટકો
  • ક્વોરી ઉદ્યોગ પાસેથી સરકારને પ્રતિદિન રૂ.1 કરોડની રોયલ્ટીની ખોટ

ભરૂચ સહિત ગુજરાતભરના ક્વોરી સંચાલકોએ સરકાર સમક્ષ મુકેલી પોતાની માંગણીઓ નહીં સંતોષાતા ગુજરાત સ્થાપના દિવસથી જ અચોક્કસ મુદ્દત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખી હડતાળમાં જોડાયા છે. જેના પગલે ભરૂચ જિલ્લામાં કાર્યરત 70 ખાણ અને 40 ક્વોરીઓ છેલ્લા 4 દિવસથી બંધ થઈ જતાં રસ્તા ઉપર 24 કલાક દોડતા 1000થી વધુ ડમ્પરોનાં પૈડાં થંભી ગયાં છે.

ક્વોરી ઉદ્યોગ બંધ થતાં ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જ્યારે ક્વોરી ઉદ્યોગ પાસેથી સરકારને મળતી એક દિવસની રૂપિયા 1 કરોડની રોયલ્ટીની ખોટ પડી છે. માત્ર એટલું જ નહીં જિલ્લામાં હાલમાં કાર્યરત 35થી 40 જેટલી સિવિલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપચીની સપ્લાય બંધ બંધ થઈ જતાં 2 હજાર કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ ઠપ્પ થઈને પડ્યો છે.

કેટલીક માગણીઓને લઈને નિર્ણય બાકી | છેલ્લા કેટલાક સમયથી ક્વોરી સંચાલકો તેમના પ્રશ્નોને લઈને સરકાર સાથે મંત્રણા કરી રહ્યા છે. કેટલીક માંગણીઓ તેમની સંતોષાઈ છે જોકે, કેટલિક પર હજી નિર્ણય લેવાયો નથી જેના કારણે રાજ્યના ક્વોરી એસોસિએશનની સુચનાથી સ્થાનિક ક્વોરી સંચાલકોએ પણ ગત 1 તારીખથી કામગીરી અટકાવી દીધી છે. -કેયુર રાજપરા, જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી

જિલ્લામાં 70 ખાણોમાં કામ બંધ થઈ જતાં ક્વોરી-ખાણ પર કામ કરતા શ્રમિકોની રોજગારી છીનવાઈ
ભરૂચ જિલ્લામાં ક્વોરી ઉદ્યોગો ઉપર ટ્રાન્સ્પોર્ટેશનનો ઉદ્યોગ પણ મોટા પાયે ચાલે છે. જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ ખાણો અને ક્વોરીઓ આવેલી છે. ત્યાંથી ખાનગી અને સરકારી બાંધકામોમાં કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ જેવી પ્રોડક્ટ મળતી બંધ થઈ ગઈ હોવાથી કામો બંધ થઈ ગયા છે. સુરત-દહેજ સહિતના વિસ્તારોમાં 24 કલાક માર્ગો ઉપર દોડતી ટ્રકો બંધ થતાં ક્વોરી-ખાણમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની છે. ટ્રાન્સ્પોર્ટરોને પણ ફટકો પડ્યો છે.

ક્વોરી સંચાલકોની માગણીઓ
1. ખાડાની માપણી બાબત
2. ખાનગી માલિકીની જમીનમાં ક્વોલીની લીઝો હરાજી વિના આપવા બાબત
3. ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત
4. ઈ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત
5. ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવા બાબત
6. ખનીજની કિંમત રૂ. 350 છે તે ખરેખર રૂ.50 થાય છે તે ફેરફાર કરવા બાબત
7. મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા બાબત .

11 વર્ષથી સરકાર માંગણી સ્વીકારતી નથી
ક્વોરી સંચાલકોએ 17 પૈકી સાત મુખ્ય માંગણી સરકાર સામે મૂકી છે. છેલ્લા 11 વર્ષથી માંગણીઓનો નિકાલ નહીં થતાં ગત 1 એપ્રિલે જિલ્લામાં આવેદન આપ્યું હતું. છતાં કોઈ નિકાલ નહીં થતાં 1, મેથી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી. ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા દસ હજાર જેટલા મજુરો હાલ બેકાર બની ગયા છે.- ચંદ્રકાંત વસાવા, પ્રમુખ, બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન, ભરૂચ જિલ્લો.

બે વર્ષથી રિઅલ એસ્ટેટને મોટો ફટકો પડ્યો
ભરૂચ જિલ્લામાં હાલમાં 2 હજાર કરોડની સિવિલ કન્સ્ટ્રક્શન સાઈટો બંધ થઈને પડી છે. કોરોનાકાળ બાદ માંડ શરૂ થયેલી સાઈટો હોળીમાં બંધ થયા બાદ ફરી શરૂ થવામાં દોઢ મહિનાનો વિલંબ થયો હતો. હવે ક્વોરીઓ બંધ થતાં કપચી સહિતનું મટિરિયલ બંધ થતાં ફરીથી વિલંબ થયો છે. સામે ચોમાસુ પણ આવે છે અને વાવાઝોડાની વચ્ચે ચિંતા વધી છે. રિઅલ એસ્ટેટને બે વર્ષથી ખૂબ જ ફટકો પડી રહ્યો છે. રેતી-કપચી સ્ટોર કરવી મુશ્કેલ હોય છે. - રોહિત ચદ્દરવાલા, ક્રેડાઈ, પ્રમુખ, ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...