કેન્દ્રિય મંત્રી ભરૂચની મુલાકાતે:ભરૂચમાં નર્મદા નદી પર 2 કિમી લાંબો એક્ટ્રાડોઝ કેબલ સ્પાન દેશનો સૌપ્રથમ 8 લેનનો બ્રિજ બનશે

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી માર્ચ 2022 સુધીમાં વડોદરા-અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવે પરથી વાહનો સડસડાટ દોડતા થઈ જશે
 • એક કેબલની 1100 ટન ભાર વહન ​​​​​​​કરવાની ક્ષમતા, 100 વર્ષ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય, 250 કરોડ બ્રિજનો કુલ ખર્ચ

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ મુંબઇથી દિલ્હીને જોડતાં એક્સપ્રેસ વે પર ભરૂચ પાસે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમિક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 2023 સુધીમાં એક્સપ્રેસ વેની કામગીરી પુર્ણ કરવાનો નિર્ધાર કરાયો છે. જ્યારે વડોદરા - અંક્લેશ્વર વચ્ચેનો વાહનવ્યવહાર આગામ માર્ચ 2022 સુધીમાં શરૂ થઇ જાય તેવો લક્ષ્યાંક છે. હાલમાં મુંબઇ દિલ્હી વચ્ચેની મુસાફરી માટે લાગતો 24 કલાકના સમયના બદલે એક્સપ્રેસ વેના નિર્માણ બાદ ઘટીને 12થી 13 કલાક થઇ જશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ભરૂચ જિલ્લામાં નિર્માણ પામી રહેલાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કુકરવાડા પાસે નર્મદા નદી પર બનેલાં એક્સપ્રેસ વેના 2 કિમી લાંબા એક્સ્ટ્રાડોઝ કેબલ બ્રીજની મુલાકાત લીધી હતી. જે બાબતે તેમણે જણાવ્યું હતું કે, નર્મદા નદી પર બનેલો કેબલ બ્રીજ ભારતનો પ્રથમ 8 લેન બ્રીજ છે. જે એક આઈકોનિક બની રહેશે. ગુજરાતમાં 423 કિલોમીટરનો 8 લેનનો એક્સપ્રેસ-વે કુલ રૂ. 35,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે. ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજધાની સાથે પણ જોડાશે.

1712 કરોડના ખર્ચે 63 કિમીના હિસ્સાનું નિર્માણ થશે
દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સીએ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ 15 વર્ષ સુધી રસ્તાની સંભાળ અને સંચાલન કરવાનું રહેશે.

રસ્તાના નિર્માણ માટે 20 કરોડના એક એવાં કુલ ત્રણ મશીનનો ઉપયોગ કરાયો
દુનિયાભરમાં એકસાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ-વે તૈયાર કરવા માટેના કોંક્રીટ લેયર મશીન વપરાય છે, પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડનું મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે.

હાઈવેને લોખંડી મજબૂતી આપવા માટે 62000 ડોવેલબારનો ઉપયોગ
હાઇવેની મજબૂતી માટે રસ્તો બનાવતી વખતે 2.1 કિલોના 32 MMના ડોવેલ બાર (લોખંડના દંડા) દર 4.5 મીટરે નખાયા છે. 62 હજાર ડોવેલબાર નખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે એને નખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

બ્રિજ નિર્માણમાં વપરાયેલ મટિરિયલ્સ

 • 17800 MT સ્ટ્રક્ચરલ સ્ટીલ
 • 30000 MT રેનફોર્સસમેન્ટ
 • 3000 MT HT સ્ટ્રેન્ડ
 • 700 MT એક્સ્ટ્રા ડોઝ કેબલ
 • 168000 ક્યુબીક મીટર કોન્ક્રીટ
 • બ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થયું
 • 48 મીટર સ્પાનની લંબાઈ
 • 16 વાય શેપનાં પાઇલોન
 • 13 મીટર ડેકથી ટાવરની ઉંચાઇ અને 33 મીટર જમીનથી
 • 216 પીળા કેબલ 8 સ્પાન 25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ.
અન્ય સમાચારો પણ છે...