ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં જળ સંચય અભિયાન હેઠળ 13.21 કરોડના ખર્ચે કુલ 338 કામોના આયોજનને કલેકટરે મંજૂરી આપી છે. ચાલુ વર્ષે વરસાદી પાણીના નિકાલ માટેની કાંસોની સફાઇને પ્રાધાન્ય આપી કાંસની સફાઇના 161 કામો માટે 5.89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસો પર ઠેર ઠેર બાંધકામ કરી દેવામાં આવ્યાં હોવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે. કાંસો ઉપર કરી દેવાયેલા બાંધકામો તોડયા સિવાય જ વહિવટીતંત્ર કાંસોની સફાઇ માટે કરોડો રૂપિયા ખર્ચવા જઇ રહયું છે. દર વર્ષે કાંસોની સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાઇ છે પણ ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે. જળ સંચય અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં કાંસ સાફ સફાઈને પ્રાધાન્ય આપતા રૂ. 5.89 કરોડના ખર્ચે 180 કિમીની લંબાઇના 161 કામોને કલેકટરે મંજૂરી આપી દીધી છે.
આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન-2023 અંતર્ગત ભરૂચ જિલ્લામાં જળસંચયને લગતા રૂ.13.21 કરોડના કુલ338 કામોના માસ્ટર પ્લાનને જિલ્લા કલેકટરે મંજૂરી આપી દીધી છે. રાજયમાં દર વર્ષે ઉનાળા પહેલાં જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવે છે. જે અન્વયે તળાવો સહિતના જળાશયો ઉંડા કરવામાં આવે છે પણ આ વર્ષે કાંસોની સફાઇના કામનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરમાં કાંસોનું અસ્તિત્વ ગાયબ
ભરૂચ શહેરમાં પણ કાંસોની બદતર હાલત છે. ખાસ કરીને માતરિયા ખાડી પાસે આવેલી કાંસ તો ઠેર ઠેર તુટી ગયેલી હાલતમાં છે. આ ઉપરાંત શહેરની મોટાભાગની કાંસો પર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયાં હોવાથી ચોમાસામાં પાણીનો પ્રવાહ રોકાઇ છે. તંત્ર કાંસોની સફાઇની સાથે ગેરકાયદે બાંધકામો પણ દુર કરે તેવી સ્થાનિકોની માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.