રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ( નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) હેઠળના કાર્ડ ધારકોને જન્માષ્ટમી તેમજ દિવાળી તહેવાર નિમિત્તે કાર્ડ દિઠ 1-1 લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ માત્ર 100 રૂપિયામાં આપવામાં આવશે. જેના પગલે ભરૂચ જિલ્લામાં એનએફએસએ અંતર્ગત આવતાં 1.62 લાખ કાર્ડધારકોને તેનો લાભ મળશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, ચાલુ વર્ષે એનએફએસએ કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં 1-1 લિટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ અપાશે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા 197 રૂપિયામાં સિંગતેલની ખરીદી કરી 97 રૂપિયાની સબસિડી સરકારે ભોગવી કાર્ડધારકોને માત્ર 100 રૂપિયામાં એક લિટર તેલ આપવામાં આવશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં 1.62 લાખ કાર્ડ ધારકોને આ યોજનામાં આવરી લેવાશે.
ભરૂચ પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું કે, સરકાર દ્વારા તહેવાર નિમિત્તે સિંગતેલની સાથે સાથે તુવેરદાળ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. જેમાં એએવાય અને પીએચએચ કાર્ડ ધારકોને રાશનકાર્ડ દીઠ માત્ર 50 રુપિયામાં 1 કિલો તુવેરદાળ આપવામાં આવશે. સરકાર દ્વારા નજીકના દિવસોમાં જાહેરાત કરાતાં જ દરેક સસ્તા અનાજની દુકાનેથી કાર્ડ ધારકોને તેમનો પુરવઠો મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.